<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ અલગથી વસૂલવાનો આદેશ કરાયો

ગુજરાતના ઉર્જા વિભાગે લીધો મહત્વનો નિર્ણયઃજૂના પેન્ડિંગ બિલની રકમનાં ૧૮૦ હપ્તા કરવાનો આદેશ

ગાંધીનગર, તા.૨૪

સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર અંગેનો વિવાદ હાલમાં વકર્યો છે. આ વિવાદ રાજ્યના શહેરો પૂરતો માત્ર સીમિત નથી રહ્યો પરંતુ તે નાના-નાના ગામડાઓ સુધી પણ પહોંચી ગયો છે. ગામડાઓમાં સ્માર્ટ મીટર નાંખ્યા બાદ વીજ બિલ વધુ આવતું હોવાની બૂમો ઉઠવા પામી છે. જેથી નાગરિકોને પડતી હાલાકીના કારણે સ્માર્ટ મીટરનો વિરોધ વંટોળ વ્યાપ્યો છે. ઠેર-ઠેર નાગરિકોમાં રોષ જોવા મળે છે. અડધી રાત્રે લાઈટો જતી રહે છે. રિચાર્જ કર્યા બાદ પણ પ કલાક સુધી વીજ કનેકશન ચાલુ થતું નથી.

ઉપરાંત મહિલાઓએ જણાવ્યું કે અગાઉ બે મહિનાનું બિલ ભરવા ૧૦ દિવસનો સમય મળતો હતો હવે દર ૧૦ દિવસે રિચાર્જ કરવાનો વારો ગ્રાહકોને આવી રહ્યો છે જે ગરીબ મધ્યમ વર્ગના લોકોની ક્ષમતા કરતાં વધારે છે. જેથી લોકો હવે વીજ કચેરીએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવા ઉગ્ર વિરોધની વચ્ચે ઉર્જા વિભાગ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.વિભાગ દ્વારા રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ જૂના પેન્ડિંગ બીલની રકમ અલગથી વસૂલવાનો આદેશ કરાયો છે.

જૂના બિલનાં કારણે લોકોને ગેરસમજ થઈ હોવાનું તારણ બહાર આવ્યું છે. જૂના પેન્ડિંગ બિલની રકમનાં ૧૮૦ હપ્તા કરવાનો આદેશ આપ્યો છે. સ્માર્ટ મીટરનાં દરરોજની વપરાશની સાથે રકમ કપાતી હતી. એક-એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી. જેનાં કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઉભી થઈ હોવાનું તારણ આવ્યું છે.આમ વિવાદને પગલે સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે.

જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. સ્માર્ટ મીટરના મુદ્દા હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. વડોદરાના બાજવાના એક નાગરિકે સ્ય્ફઝ્રન્ના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી.

સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરજીકર્તાએ જણાવ્યું કે, દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ૨૦૦૬ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી.

(7:32 PM IST)