<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

અમદાવાદમાં સતત ચોથા દિવસે પારો 45 ડિગ્રીને પાર: આઠ દિવસમાં 276 ઈમરજન્સી કોલ્સ:108ની દોડધામ

- આગામી 4 દિવસ સુધી શહેરીજનોને ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી: એમએમસી દ્વારા 26 મે સુધી રેડ એલર્ટ અપાયું

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદીઓ આકાશમાં વરસતી આગ ઝરતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. ગઈકાલે 46.8 ડિગ્રી સાથે 8 વર્ષ બાદ અમદાવાદનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. જો કે આજે તાપમાનમાં સામાન્ય 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી 28 મે સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આથી આગામી 4 દિવસ સુધી શહેરીજનોને ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.

હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, આજે અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. આ ઉપરાંત સુરત શહેરમાં આજે 36.7, વડોદરામાં 44 ડિગ્રી અને રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અગાઉ 20મે ના રોજ શહેરનું તાપમાન 44.9 ડિગ્રી નોંધાયું હતુ. જે બાદ છેલ્લા 4 દિવસથી પારો 45 ડિગ્રીને પાર રહ્યો છે.

અમદાવાદમાં ગરમીના પ્રકોપને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 26 મે સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જે બાદ બે દિવસ એટલે કે 28 મે સુધી શહેરમાં ઓરેન્જ એલર્ટ રહેશે. આકાશમાંથી વરસી રહેલી આગને જોતા ગરમી સબંધિત બીમારીના કેસો પણ ઝડપથી વધી રહ્યાં છે. ખાસ કરીને ગભરામણ, ખેંચ, હીટસ્ટ્રોક, તાવ, પેટમાં દુખાવો, ઝાડા-ઉલટીને લગતી ફરિયાદો વધવાના કારણે ઈમરજન્સી હેલ્પલાઈન 108 એમ્બ્યુલન્સ સર્વિસની દોડધામ વધી ગઈ છે. આજે પણ ગરમી સબંધિત બીમારીના 57 કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 8 દિવસમાં અમદાવાદ શહેરમાંથી 276 લોકોને 108માં સારવાર આપવામાં આવી છે.

AMC દ્વારા ગરમીથી બચવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઇએ જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, તાજા ફળો અને શકભાજી ખાવા જોઈએ.તીખુ ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો.ચા કોફી અને સોડા વાળા પીણાં પર નિયંત્રણ રાખો.બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફ સાથે રાખવું જોઇએ,બપોરે ૧૨ થી ૪ કલાક દરમ્યાન શકય હોય તો બહાર નીકળવાનું ટાળવું.લાંબો સમય તડકામાં ન રહેવું, આચ્છા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં,કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો, નાના બાળકો – વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

લુના લક્ષણો જણાય તો તબીબની સલાહ લેવાનો અનુરોધ

અતિશય ગરમીનાં લીધે લુ લાગવાના લક્ષણો નીચે મુજબ છે.ગરમીની અળાઇઓ,ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી,માથાનો દુઃખાવો, ચક્કર આવવા,ચામડી લાલ -સૂકી અને ગરમ થઇ જવી, સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી, ઉબકા અને ઉલ્ટી થવી,

(11:40 PM IST)