News of Friday, 24th May 2024
કડક કાયદો જરૂરી : રાજપીપળામાં માર્ગો ઉપર રખડતા અસંખ્ય મૂંગા પશુઓની માલિકોને કોઈજ ચિંતા નથી
અવાર નવાર રોડ પર ફરતા ગાય, ભેંસ સહિતના મૂંગા પશુઓને વાહન દ્વારા અકસ્માત થાય છે તથા રસ્તા ઉપર ગાયોની સુવાવડ થાય છે તેમ છતાં માલિકો લાપરવાહ:ફક્ત દુધાળા પશુઓ ને સાચવતા અને દૂધ નહિ આપતા પશુને આખો દિવસ રસ્તા પર છોડી મૂકનાર માલિકો માટે પણ કડક કાયદો હોવો જોઈએ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં અસંખ્ય મૂંગા પશુઓ રસ્તે રખડતા નજરે પડે છે અને આ દૃશ્યો પૂરા ગુજરાતમાં જોવા મળે છે. જોકે અમુક શહેરો માં પાલિકા તંત્ર આ ઢોરને પકડી ડબ્બે પુરે છે છતાં પણ અમુક માલિકો છોડાવવા આવતા નથી સાથે સાથે રસ્તે રખડતા મુકેલા આ પાલતુ જાનવરોના માલિકોને કોઈજ ચિંતા ન હોય એમ તેમના પશુ રસ્તા પર ઇજા પામે ત્યારે પશુ હેલ્પલાઇનને સ્થાનિક વ્યક્તિઓ બોલાવી સારવાર કરાવતા જોવા મળે છે.
રાજપીપળા શહેરમાં ઠેર ઠેર ગાય, ભેંસ સહિતના પશુ મોટી સંખ્યામાં ફરતા જોવા મળે છે તેમના દ્વારા માર્ગો ઉપર મળ મૂત્ર કરતા ગંદકી પણ થાય છે પરંતુ એ તો મૂંગા છે ત્યારે માલિકોએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
રસ્તા પર વાહનોની અડફટે ઇજા થાય છે સાથે સાથે કેટલીકવાર ગાય કે ભેંસ કોઈ ગલીમાં કે માર્ગ ઉપર બચ્ચાંને જન્મ પણ આપવાની ઘટના જોવા મળે છે તો શું જ્યારે પોતાના પશુ ગાભણા હોય ત્યારે તેના માલિકોને અંદાજ નથી કે હવે ડિલિવરી ના દિવસ નજીક છે તો આવા પશુને બહાર ના છોડય. પશુઓની દયા નહિ કરતા કેટલાક માલિકો દ્વારા આવી ગંભીર બેદરકારી જોવા મળે ત્યારે આ માલિકો સામે કડક પગલાં લેવાઇ તે માટે કડક કાયદો લાગુ કરવો જરૂરી હોવાનું કેટલાક અનુભવી લોકો નું માનવું છે.
શુક્રવારે સવારે રાજપીપળા દરબાર રોડ પારેખ ખડકીમાં એક રખડતી ગાય એ બચ્ચાંને જન્મ આપ્યો ત્યારબાદ સ્થાનિક મહિલાઓએ આ ગાય ની જરૂરી દેખરેખ કરી જરૂરી ખોરાક પણ આપ્યો પરંતુ સુવાવડ માં જો કદાચ કોઈ સારવારની જરૂર જણાઈ તો માલિક વગર શું કરી શકાય..? જોકે સ્થાનિકો એ એના માલિકને શોધવા જરૂરી પગલાં લીધા પરંતુ આ રીતે મૂંગા પશુઓ ને રસ્તા પર રખડતા છોડી દેવા એ બાબત ગંભીર છે. એક તરફ હિન્દુ સમાજ ગાય ને માતા માની તેની પૂંજા કરે છે ત્યારે બીજી તરફ આ જ માતાને દૂધ નહિ આપે તો રસ્તે રખડતી કરી દેવી એ શું માનવતા છે..? ત્યારે આ માટે કડક કાયદો બને તે જરૂરી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
