<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

રાજપીપળા નાગરિક સહકારી બેન્કમાં જિલ્લા રજિસ્ટ્રારે વહીવટદારની નિમણુંક માટેની ભલામણ કરતા ચકચાર

2001-2003 માં પણ બેન્કના ગેરવહીવટને કારણે સરકારે નાગરિક બેન્કમાં કસ્ટોડિયન ની નિમણુક કરી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની એકમાત્ર એવી રાજપીપળા નાગરિક સહકારી બેન્ક તેની કાર્યપધ્ધતિ ના મામલે પુનઃ વિવાદમાં ઘેરાઈ છે અને ત્યાં વહીવટદાર નિમણુક માટેની ભલામણ ખુદ જિલ્લા રજિસ્ટ્રારે કરતા મામલો ગરમાયો છે
  પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા મથક રાજપીપલા ની નાગરિક સહકારી બેન્ક અવારનવાર વિવાદો માં ઘેરાતી રહે છે ત્યારે ભૂતકાળમાં એટલે કે ગત તા -13/3/ 2018ના રોજ બેન્કની વ્યવવસ્થાપક કમિટી એ બેન્કને નુકશાન થાય તેવો ઠરાવ નં -14 કર્યો હતો જે ઠરાવ રદ કરવા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ પત્ર લખી સૂચના આપી હતી પરંતુ તેનો અમલ કરવાને બદલે બેન્ક તરફથી જિલ્લા રજિસ્ટ્રારના પત્રને રદ કરવા અધિક રજિસ્ટ્રાર ને અરજી કરી પડકાર્યો હતો પરંતુ અધિક રજિસ્ટ્રારે બેન્કની માંગણી  ફગાવી દીધી હતી જેથી બેન્ક તરફથી અધિક રજિસ્ટ્રારના હુક્મને રદ કરવા નાયબ સચિવને અપીલ કરી હતી, નાયબ સચિવે 7/8/2021 ના રોજ બેન્ક ની અરજી ફગાવી દઈ જીલ્લા રજિસ્ટ્રારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેથી જિલ્લા રજિસ્ટ્રારનો આદેશ યથાવત રહેતા જિલ્લા રજિસ્ટ્રારે બેન્કને આ ઠરાવ રદ કરવા ઓગસ્ટ 2023 અને જાન્યુ . 2024 માં પત્ર લખી ઠરાવ રદ કરવા સૂચના આપવા છતાં બેન્ક તરફથી કોઈ કાર્યવાહી નહી થતા અને જાણીજોઈને  જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની સૂચનાઓ પ્રત્યે ઉદાસીનતા દાખવી ફરજમાં વારંવાર કસૂર કરતા જિલ્લા રજિસ્ટ્રારે સહકારી કાયદાની કલમ -81 હેઠળ કાર્યવાહી કરવા એટલે કે બેન્કમાં વહીવટદાર ની નિમણુંક કરવા રાજ્ય ના ચીફ રજિસ્ટ્રાર ને ભલામણ કરતા સહકારી  ક્ષેત્રે ચકચાર મચી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2001-2003માં પણ બેન્કના ગેરવહીવટ ને કારણે સરકારે નાગરિક  બેન્કમાં કસ્ટોડિયનની નિમણુક કરી હતી.

(11:30 PM IST)