<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

મેંગો પલ્‍પ કાતરી કે સૂકી કેરી સિવાયની થર્ડ કેટેગરીમાં આવતી હોવાથી ૧લી જુલાઇ ૨૦૧૭થી ૧૨% GST લગાવવી યોગ્‍ય જણાય છે

GSTના પ્રારંભથી ‘મેંગો પલ્‍પ' પર ૧૨% ગુડ્‍ઝ સર્વિસ ટેક્‍સને હાઇકોર્ટની બહાલી

અમદાવાદ, તા.૨૬: ભરઉનાળાની સાથે સાથે કેરીની સિઝન પણ બરાબર જામી છે, ત્‍યારે જ ગુજરાત હાઇકોર્ટે એક રસદાર કેસમાં ‘મેંગો પલ્‍પ' ઉપર GSTના પ્રારંભથી (એટલે કે વર્ષ ૨૦૧૭થી) ૧૨% ગુડ્‍ઝ એન્‍ડ સર્વિસ ટેક્‍સ(GST)ને યોગ્‍ય ઠરાવી બહાલી આપી છે. આ મામલે જસ્‍ટિસ ભાર્ગવ ડી. કારિયા અને જસ્‍ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે એક ચુકાદો આપતાં ઠરાવ્‍યું છે કે,‘મેંગો પલ્‍પ કાતરી કે સૂકી કેરી સિવાયની થર્ડ કેટેગરીમાં આવતી હોવાથી ૧લી જુલાઇ ૨૦૧૭થી ૧૨% GST લગાવવી યોગ્‍ય જણાય છે. સાથે જ અરજદારોની એનાથી ઓછી ૫% અને ટેક્‍સ વિભાગની એનાથી વધુ ૧૮% GST યોગ્‍ય જણાતી નથી.' આ સાથે જ વિમલ એગ્રો સહિતના અરજદાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટ પિટિશનને અંશત ગ્રાહ્ય રાખતાં હાઇકોર્ટે તેનો નિકાલ કર્યો છે.  હાઈકોર્ટે ચુકાદો આપ્‍યો છે કે જુલાઈ ૨૦૧૭માં પરોક્ષ કર પ્રણાલીની શરૂઆત થઈ ત્‍યારથી કેરીના પલ્‍પ પર ૧૨ ટકા ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) લાગે છે.

પ્રસ્‍તુત કેસમાં અરજદારો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે મેંગો પલ્‍પ સ્‍લાઇસ્‍ડ મેંગોમાંથી બનતું જ કેરીનું એક પદાર્થ છે અને તેના પર માત્ર  ૫%  ગુડ્‍ઝ એન્‍ડ સર્વિસ ટેક્‍સ લાગે. જોકે જીએસટી વિભાગ દ્વારા નવી એન્‍ટ્રીમાં તેને ૧૨%ના માળખામાં મુકી છે. તે ઉપરાંત વિભાગ દ્વારા અગાઉથી GSTની ગણતરી કરીને ૧૮%ના હિસાબે રિકવરી કાઢી છે. આ રીતે અરજદાર જોડેથી રૂ. ૨૧.૧૫ લાખની રિકવરી માંટેની નોટિસ પાઠવવામાં આવી છે. જે અયોગ્‍ય હોઇ તેને રદ કરવી જોઇએ.

જોકે કોર્ટે કહ્યું કે મેંગો પલ્‍પ કાતરી અને સૂકા સિવાયની કેરીની શ્રેણીમાં આવરી લેવામાં આવી છે. જુલાઈ ૨૦૨૨માં સરકારી નોટિફિકેશનમાં સ્‍પષ્ટતા કરવામાં આવી હતી કે આ કેટેગરીમાં ૧૨ ટકા GST લાગે છે. જો કે, નોટિફિકેશન પ્રકળતિમાં સ્‍પષ્ટતાપૂર્ણ હોવાથી, ૧૨ ટકાનો દર ૧ જુલાઈ ૨૦૧૭ થી અમલમાં આવ્‍યો હતો, જ્‍યારે GSTનો અમલ શરૂ કરવામાં આવ્‍યો હતો.

હાઇકોર્ટની ખંડપીઠે આ મામલે અરજદારોની રિટ અંશતઃ ગ્રાહ્ય રાખી હતી પરંતુ ૧૨% GSTના નિર્ણયને બહાલ રાખી હતી. જ્‍યારે GST વિભાગે કરેલી ૧૮%ની રિકવરીને પણ અયોગ્‍ય ઠરાવી હતી.

(10:04 AM IST)