News of Saturday, 25th May 2024
સુરતમાં 6 વ્યકિતના અલગ-અલગ બનાવમાં અપમૃત્યુઃ બેભાન થઇને ઢળી પડતા જીવ ગયા
ગરમીનું પ્રમાણ અને હૃદગરોગના હૂમલા જવાબદાર હોવાનું પ્રાથમિક તારણ

સુરત: સુરતમાં આજે અલગ-અલગ વિસ્તારમાં વધુ 6 લોકોનાં મોત થયા છે. સુરતના લીંબાયતમાં 3, બમરોલીમાં એક, પાંડેસરા અને કતારગામમાં એક-એક લોકોએ જીવ એમ કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યો છે.
સુરતના લીંબાયત સાંઈ બાબા ચોક પાસે રહેતા 45 વર્ષીય જગા તોતારામ ઠાકુર ગત સાંજે ઘર નજીક બ્રીજ પાસે અચાનક તબિયત લથડી હતી. જેથી તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
બીજા બનાવમાં લીંબાયત સ્થિત આંબેડકર નગર પાસે રહેતા 39 વર્ષીય લક્ષ્મણ ગંગાધર લગશેટ્ટી ગત સવારે ઘરમાં બેભાન થઇ ગયા હતા. તબીબોએ તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા તેઓ છૂટક મજુરી કામ કરતા હતા.
ત્રીજા બનાવમાં લીંબાયત પર્વતગામ સ્થિત સંતોષનગરમાં રહેતા 48 વર્ષીય બીનેશકુમાર બિલેશ્વરરામની ગત સાંજે ઘરમાં તબીયત લથડી હતી અને તેઓ બેભાન થઇ ગયા હતા. તેઓને સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા.
ચોથા બનાવમાં બમરોલી રોડ સ્થિત આશાપુરી સોસાયટી પાસે રહેતા 40વર્ષીય લિંગરાજ ભાસ્કર કમ્પા બપોરે ઘરે જમીને સાયકલ પર સંચાખાતામાં કામ પર જઈ રહ્યા હતા. તે સમયે પાંડેસરા ભીજ ભંજન પાસે તબિયત લથડી હતી અને તે બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેથી તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગત સાંજે મોત થયું હતું.
પાંચમાં બનાવમાં પાંડેસરા આશાપુરી સોસાયટી પાસે રહેતા 47 વર્ષીય મનીષભાઈ રાણાને ગત રાતે તાવ આવ્યા બાદ વધુ તબીયત બગડી હતી અને તે બેભાન થઇ ગયા હતા. તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
છઠા બનાવમાં કતારગામ ખાતે રહેતા 44 વર્ષીય જીગ્નેશ ભીખુભાઈ પટેલ ગત સાંજે ગરમી વધુ લાગતા ઘર નજીક ઓટલા પર બેઠા હતા તે સમયે ચક્કર આવ્યા બાદ તે બેભાન થઇ ગયા હતા. તેઓને તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યા હતા. તેઓ કાપડની દુકાનમાં કામ કરતા હતા.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
