<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

પાણી,બ્રિજ અને અગ્નિથી અનેક જીવનદીપ બૂઝાયા:બાળકો બન્યાં ભોગ: છેલ્લા પાંચ વર્ષમાં ચાર દુર્ઘટનાએ ગુજરાતને હચમચાવ્યું

તક્ષશિલા, હરણી તળાવમાં બોટ , મોરબી બ્રીજ દુર્ઘટના અને રાજકોટનો ગેમઝોન આ ચારેય ઘટનામાં રાજ્યની પ્રજાએ તેમના વ્હાલસોયા સંતાનોને ગુમાવ્યા

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં એવી ચાર ઘટના સર્જાઈ છે કે જેણે ગુજરાત રાજ્યની પ્રજાને હચમચાવી નાંખ્યા છે. સૌથી આઘાતજનક વાત એ છે કે આ ચારેય ઘટનામાં રાજ્યની પ્રજાએ તેમના વ્હાલસોયા સંતાનોને ગુમાવ્યા છે.

આ ઘટના પાણી અને આગ સાથે સંકળાયેલ રહી છે.આ 4 જેટલી અત્યંત પીડાદાયક ઘટનામાં (1) 24મી મે,2019માં સુરતમાં સર્જાયેલ તક્ષશિલા અગ્નિકાંડ, (2) 18 જાન્યુઆરી 2023માં વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં સર્જાયેલી કરુણાંતિકા (3) 30મી ઓક્ટોબર,2022ના રોજ મોરબી બ્રીજ દુર્ઘટના (4) આજે રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડમાં લોકોએ તેમના સંતાનો ગમાવ્યા છે.

આ ઘટનામાં સુરતમાં બાળકો જ્યારે ક્લાસિસમાં ભણી રહ્યા હતા ત્યારે ભીષણ આગ લાગી હતી, તેને લીધે અનેક બાળકો જીવતા ભૂંજાઈ ગયા હતા. માતાપિતાની નજર સામે પોતાના સંતાનો સળગી રહ્યા હતા પણ તેઓ નિસહાય હતા. વહિવટીતંત્ર પાસે ટાંચા સાંધનો હોવાની પોલ ખુલ્લી હતી.

વડોદરા સ્થિત હરણી તળાવમાં આ ઘટના સર્જાઈ હતી. જેમાં એક બોટમાં ક્ષમતા કરતાં વધારે બાળકોને લઈ જઈ રહ્યા હતા ત્યારે આ બોટ ઊંધી વળી ગઈ હતી અને અનેક નાના બાળકોનો જીવનદીપ બૂઝાઈ ગયા હતા.
મોરબીખાતે જ્યારે સાંજના સમયે લોકો તેમના બાળકો સાથે આનંદ અને ખુશીથી લટાર મારી રહ્યા હતા ત્યારે બ્રીજ તૂટી પડ્યો હતો. જેને પગલે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી હતી.

આજે ફરી એક વખત રાજ્યની પ્રજા માટે ઉદાસીન દિવસ રહ્યો. રાજકોટ સ્થિત ટીઆરપી મોલના ગેમઝોનમાં આગ લાગી છે તેમાં અનેક બાળકોના મોત થયા છે.

 

(10:40 PM IST)