<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

હોસ્‍પિટલો, આવાસો,સ્‍કૂલો અને કલાસિસમાં ફાયર સેફટી છે?

નિર્દોષોના મોતની ઘટનાઓ પછી જ તંત્ર કેમ જાગે છે? નાગરિકોની સલામતિની તંત્રને ખરેખર પડી છે ? : મ્‍યુનિ. કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ૧૦૦ ટકા ફાયર સિસ્‍ટમનો જશ ખાટયાં બાદ ‘સંદેશ'ની તપાસમાં પોલ ખુલી હતી

વડોદરા,તા. ૨૭: દિલ્‍હીની હોસ્‍પિટલમાં આગ લાગતા ૧૨માંથી ૭ નવજાતના મોત થવાની હૃદયદ્વાવક ઘટનામાં ડોકટર અને હોસ્‍પિટલના માલિકને પોલીસે હિરાસતમાં લીધા છે. ત્‍યારે વડોદરામાં પણ વગદાર વચેટિયાઓને બાજુ પર હડસેલી તટસ્‍થ તપાસ કરાય તો ફાયર સેફટીના નામે અનેક છીંડા બહાર આવે તેમ છે. માત્ર હોસ્‍પિટલો જ નહીં આવાસ યોજનાઓ, કોચીંગ કલાસીસ અને સ્‍કૂલોમાં પણ ફાયર સેફટીની તપાસ અત્‍યંત જરૂરી છે. આ તપાસ સરકારના સ્‍તરેથી અન્‍ય એજન્‍સી પાસે કરાવાય તો જ સત્‍ય હકિકત બહાર આવે તેમ છે, નહીં તો ગુજરાતમાં તક્ષશીલા આગકાંડ, અમદાવાદની શ્રેય હોસ્‍પિટલ, રાજકોટ શિવાનંદ હોસ્‍પિટલ, સુરત કોવિડ હોસ્‍પિટલ, ભરૂચ હોસ્‍પિટલ અને રાજકોટ ગેમઝોન જેવા અગ્નિતાંડવ થતા રહેશે અને નિર્દોષ નાગરિકો માનવસર્જિત આગામાં હોમતા રહેશે. તેવું કહેવામાં જરાય અતિશયોકિત નથી.

શહેરમાં ફાયર સેફટીના મુદ્દે લોલમલોલ ચાલે છે. કોઇ ઘટના બને છે. ત્‍યારે જ તંત્ર જાગે છે. જે બાદ રાત ગઇ બાત થઇ જેથી સ્‍થિતીનું નિર્માણ થાય છે. આજે અનેક હોસ્‍પિટલોના પાર્કિંગમાં દબાણો યથાવત છે. તેવી જ રીતે ગ્રાઉન્‍ડ ફલોર ઉપર પણ દબાણો ઠોકી દેવાયા છે. જેથી કોઇ ઘટના બને ત્‍યારે નીકળી પણ ન શકાય. કેટલીક જગ્‍યાએ ફાયર એન.ઓ.સી મેળવવા માટે શોભાના ગાંઠિગા સમાન ફાયર સેફટીના સાધનો લગાવાયા છે. આવી જ હાલત કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી અનેક આવાસ યોજનાઓમાં પણ છે. અહીં પણ ફાયર સેફટીના નામે ધુપ્‍પલ છે. ફાયર સિસ્‍ટમ વર્ક કરે છે કે નહીં? તે જોવાની પણ તસ્‍દી લેવાની નથી. ખુદ રિઝનલ ફાયર ઓફિસર જ એન.ઓ.સી આપવા માટે લાખો રૂપિયાની લાંચ લેતો હોય તો સમજી શકાય તેમ છે કે આ અધિકારીઓ લોકોની સલામતી ને લઇ કેટલા ચિંતિત છે.

જ્‍યારે તમામ કોચીંગ કલાસીસ અને સ્‍કૂલોમાં ફાયર સિસ્‍ટમ કાર્યકત છે કે કેમ? તે પણ તપાસનો વિષય છે. નોંધનીય છે કે, દોઢ વર્ષ પહેલા ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા મ્‍યુનિ. કોર્પોરેશન સંચાલિત સરકારી શાળાઓમાં ૧૦૦ ટકા ફાયર સિસ્‍ટમર લગાવાઇ છે, તેવી જાહેરાત તત્‍કાલીન મ્‍યુનિ. કમિશનરે કરી જશ ખાટયો હતો., પંરતુ ‘સંદેશ' દ્વારા રિયલ તપાસ કરાતા ફાયર સેફટીના નામે મોટાભાગની શાળામાં ધુપ્‍પલ જ હોવાનું બહાર આવ્‍યુ હતું. આમ, અધિકારીઓ પણ જશ ખાટે છે પણ તપાસ કરતા નથી. જેથી તટસ્‍થ તપાસ થાય તો ફાયર સેફટીના નામે ચાલતા ધુપ્‍પલ બહાર આવે તેમ છે. (૨૨.૮)

દિલ્‍હીની હોસ્‍પિટલમાં આગની ઘટના બાદ આ મુદ્દે તપાસ થશે?

* શહેરની કેટલી હોસ્‍પિટલોમાં ઇમરજન્‍સી એકિઝટ છે?

* આગ બુઝાવવા માટે ફાયર સિસ્‍ટમર અને એકસટિગ્‍વિશર કાર્યરત અવસ્‍થામાં છે ?

* ફાયર એક્‍સટિગ્‍વિશર છે, તો સ્‍ટાફને આગ બુઝાવવાની તાલીમ અપાય છે ?

* હોસ્‍પિટલમાં મંજૂરી પ્રમાણના બેડ લગાવવામાં આવ્‍યા છે?

* એન.ઓ.સી. લીધા બાદ રિન્‍યુ કરાવાઇ છે?

* ફાયરના બંબા સહેલાઇથી જઇ શકે, તેવી વ્‍યવસ્‍થા હોય છે?

* ગેરકાયદે દબાણો મળે તો તંત્ર કાર્યવાહી કરશે?

દર વર્ષે લાઇસન્‍સ રિન્‍યુ કરવાની પ્રથા સરકારે બંધ કરતા લાપરવાહી વધી

વર્ષ ૨૦૧૯માં તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ વન ટાઇમ લાઇસન્‍સ ફીની જાહેરાત કરી હતી. જેમાં જે તે સંસ્‍થામાં ૧૦ થી ઓછા કર્મચારીઓ હોય તેમણે શોપ એકટનું લાયસન્‍સ લેવામાંથી મુકિત આપી હતી. માત્ર લોકલ ઓથોરિટીને ઓનલાઇન એક વાર જાણ કરવાની તાકીદ કરાઇ હતી. જો સંસ્‍થામાં ૧૦ થી વધુ કર્મચારીઓ હોય તો એક વાર શોપ લાયસન્‍સ ફી ભરે તેને કાયમી લાયસન્‍સમાંથી મુકિત આપવાની પણ વાત કરી હતી. આમ, દર વર્ષે શોપ લાયસન્‍સ રિન્‍યુ કરાવવામાંથી મુકિત આપી દીધી હતી. જેને લઇ જે તે સંસ્‍થાઓ કોઇ તપાસ થતી નથી. અગાઉ દર વર્ષે લાયસન્‍સ રિન્‍યુ કરાવવાની જે પ્રથા હતી. તેમાં જે તે ઓથોરિટી દ્વારા તપાસ કરાતી હતી. જેને લઇ વેપારીઓમાં ડર રહેતો હતો. પણ, આ ડર રૂપાણી સરકારે ખતમ કરી નાખ્‍યો. જેના કારણે હરણી બોટકાંડ અને ગેમઝોન કાંઢ સહિત વિવિધ આગકાંડની ઘટનાઓ બનતી રહે છે. 

 

(9:59 AM IST)