<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

અગ્નિકાંડ મુદ્દે રાજ્‍યના મુખ્‍ય સચિવ સહિત આઠ મ્‍યુનિ. કમિશનરો વિરૂધ્‍ધ હાઇકોર્ટમાં વધુ એક અરજી

એક પછી એક ઘટનાઓ બનતી જાય છે : ફાયર સેફટી કાયદાનું પાલન થતુ ન હોય સત્તાધીશો જ જવાબદાર છે : તમામ અધિકારીને કન્‍ટેમ્‍પટની કાર્યવાહી હેઠળ જવાબદાર ઠરાવવા માંગણી : સુપ્રિમના ચુકાદા મુજબ પગલા લેવા રજુઆત

રાજકોટ,તા.૨૭ : રાજકોટમાં ટીઆરપી ગેમીંગ ઝોનમાં લાગેલી આગમાં નિર્દોષ બાળકો, યુવાનો સહિત ૨૭થી વધુ લોકો અગનજવાળામાં ભડથું થઇ જવાના ગોઝારા કાંડને લઈ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ અમિત પંચાલ દ્વારા રાતોરાત અરજન્‍ટ રિટ અરજી દાખલ કરવામાં આવી છે અને તેમાં રાજકોટ ગેમીંગ ઝોન દુર્ઘટનાનો વિગતવાર અહેવાલ તાત્‍કાલિક કોર્ટ સમક્ષ રજુ કરવામાં માંગણી કરાઇ છે.

 સાથે સાથે હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના ફાયરસેફ્‌ટીના ચુકાદા હોવા છતાં તેનું સરકાર અને તેના સત્તાવાળાઓ પાલન નહી કરાવી શકયા હોવાથી તેઓને જ આ દુર્ઘટના માટે જવાબદાર ઠરાવી રાજયના ચીફ સેક્રેટરી, શહેરી વિકાસ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, અમદાવાદ સહિત તમામ આઠ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના મ્‍યુનિસિપલ કમિશનરો વિરૂધ્‍ધ અદાલતી તિરસ્‍કારની કાર્યવાહી કરવા દાદ માંગવામાં આવી છે.

હાઇકોર્ટે આ રિટ અરજીની સુનાવણી પણ સુઓમોટો પીઆઈએલની સાથે આવતીકાલે જ રાખી છે. રીટમાં રજૂઆત કરાઇ છે કે ગુજરાતમાં એક પછી એક સતત આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી રહે છે અને તેમ છતાં રાજય સરકાર, સંબંધિત મ્‍યુનિસિપલ કોર્પોરેશન કે અન્‍ય સત્તાવાળાઓ કોઈ જ અસરકારક કામગીરી કરતા નથી. ખુદ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટે ફાયરસેફ્‌ટીને લઇ મહત્ત્વના ચુકાદા અને નિર્દેશો જારી કર્યા છે. ખુદ સુપ્રીમકોર્ટે કાયદાનું શાસન જળવાય તે પ્રકારના પગલાં લેવા ગુજરાત સરકારને સાફ શબ્‍દોમાં હુકમ કરેલો છે પરંતુ તેમછતાં રાજય સરકાર અને તમામ મનપા સત્તાવાળાઓ ફાયરસેફ્‌ટીના કાયદા અને તેની જોગવાઇઓનું ચુસ્‍તપણે પાલન કરાવવામાં નિષ્‍ફળ ગયા છે.

તેથી રાજકોટ ગેમીંગ ઝોન દુર્ઘટના મામલે તેના સંચાલકો ઉપરાંત રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજયના તમામ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના મ્‍યુનિસિપલ કમિશનરો, રાજયના ચીફ સેક્રેટરી અને શહેરી વિકાસ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિરૂધ્‍ધ અદાલતી તિરસ્‍કાર સહિત કાયદાનુસાર કાર્યવાહી કરવા દાદ અરજીમાં માંગવામાં આવી હતી.

(12:32 PM IST)