<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

રાજકોટ અગિ્નકાંડ પછી ખૂલી પોલઃ સુરતના પાંચ ઝોન પાસે બીયુ પરમિશન ન હતી, ફાયર સેફટીના સાધનો પણ રાતોરાત ગોઠવી દેવાયા

ગેમઝોન ફાયર સેફટી વગર ધમધમતુ હોવાનું ખુલ્‍યુ

સુરત.૨૭ :  રાજકોટ અગ્નિકાંડમાં ટીઆરપી ગેમ ઝોનના માલિકોની ભૂલ અને પાલિકા તંત્ર-પોલીસ અધિકરીઓની બેદરકારીને કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે ફાયર સેફ્ટીના સાધનો મામલે સુરતના ગેમ ઝોન માલિકોએ પણ દોડધામ શરૂ કરી દીધી છે. રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતના અધિકારીઓ જાગ્યા હોય તેમ શહેરના તમામ ગેમ ઝોન પર તપાસ આદરી છે. બીજી તરફ એક ગેમ ઝોન માલિકો રાતોરાત ફાયર સેફ્ટીના સાધનો મુક્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત પાંચ મોટા ગેમ ઝોન પાલિકાની બી.યુ.પરમિશન વિના જ ચાલતા હોવાની પણ વિગતો સાંપડી છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પાલિકા તંત્ર દોડતું થયું છે અને શહેરમાં ચાલતા ગેમ ઝોનની તપાસ કરી 10 જેટલા ગેમ ઝોનમાં વિવિધ ખામીઓ જણાયા બંધ કરાવી દેવાયા છે. જોકે તેમાં પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓની મોટી બેદરકારી બહાર આવી છે, જેમાં પાંચેય ગેમ ઝોન પાલિકાની બિલ્ડીંગ યુઝ પરમીશન વિના જ ધમધમતા હોવાનું ધ્યાને આવ્યું છે.

રાજકોટમાં ગત શનિવારે સાંજે એક ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોએ જીવ ગુમાવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો. આ દુર્ઘટના બાદ સુરત પાલિકા તંત્ર જાગ્યું છે અને શનિવારે રાત્રીથી રવિવારે મોડી સાંજ સુધી શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં ચકાસણી કરી હતી અને 10 ગેમ ઝોન બંધ કરાવ્યા હતા તેમાંથી અડધોઅડધ એટલે કે પાંચ ગેમ ઝોન પાસે પાલિકાની બી.યુ. પરમીશન હતી જ નહીં.

એક તરફ રાજકોટની ઘટના બાદ સુરત પાલિકા જાગી ઉઠી છે, તો બીજીતરફ કેટલાક ગેમ ઝોનના માલિકોએ રાતોરાત ફાયરના સાધનો ખરીદી પાલિકા અને લોકોની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો છે. ગેમ ઝોન અને અન્ય સંસ્થામાં ફાયર સેફ્ટી મામલે કાર્યવાહી થાય તે પૂર્વે કેટલાક ગેમ ઝોનના માલિકોએ રાતોરાત ફાયરના સાધનો ખરીદીને ગેમ ઝોન બહાર ગોઠવી દઈ ફાયર સેફ્ટીની સુવિધા પહેલાથી જ હોવાનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે.

સુરત પાલિકા અને અન્ય અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોનની તપાસ કરાઈ હતી, જેમાં 6 ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી ન હોવાનું બહાર આવ્યું છે. જ્યારે એક ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો છે એવું દર્શાવવામાં આવ્યું છે. જોકે ત્યાં ફાયર સેફ્ટીના જે સાધનો મુકાયા છે તેમાં આજની તારીખ સ્પષ્ટ હોવાથી રાતોરાત સાધનો મુકાયા હોવાનું ફલીત થાય છે.  

(6:04 PM IST)