News of Monday, 27th May 2024
રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર
શું લોકોએ આ માટે ૧૫૬ સીટ આપી છે : કોંગ્રેસઃહપ્તા ઉઘરાવનાર અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ આપવામાં આવે છે : ગુજરાત કોંગ્રેસનો મોટો આરોપ

અમદાવાદ, તા.૨૭
રાજકોટ શહેરમાં શનિવારે સાંજે ગેમઝોનમાં આગ લાગવાની દુર્ઘટના સર્જાતા ૩૨ લોકોના જીવ હોમાયાની આશંકા છે. અત્યાર સુધી માત્ર ૨૮ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે અન્ય લોકોના મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મીડિયાને સંબોધીને ગુજરાત સરકાર પર અનેક પ્રહાર કર્યા છે. તેમણે સરકારને આકરા શબ્દોમાં જણાવ્યુ છે કે, પીડિતોને સારામાં સારું વળતર આપવામાં આવે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૃર છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, જે કોઈ ઊંચા અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
શક્તિસિંહ ગોહિલે આકરા તેવરમાં જણાવ્યુ કે, રાજકોટમાં સંપૂર્ણપણે ફાયારના કામ કર્યા બાદ પૈસા આપો તો જ સર્ટિફિકેટ મળે છે. કામ કર્યા વગર સર્ટિફિકેટ જોઈતું હોય હપ્તો આપો તો જ સર્ટિફિકેટ મળે તે પ્રકારની વ્યવસ્થા છે. શું લોકોએ આ માટે તમને ૧૫૬ સીટ આપી છે? સરકારે આજે કેટલા નાના અધિકારીઓના સસ્પેન્ડ કર્યા છે. મારે પૂછવું છે કે, જ્યાં કમિશ્નર જતા હોય, જ્યાં મેયર જતા હોઈ ત્યાં નાનો કર્મચારી પગલાં લઈ શકે ખરો? મારી માંગ છે કે, સરકાર અધિકારીઓના નામ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવે. TRP ખાતે મેયર પ્રદીપ ડવ, અરવિંદ રૈયાણી, મહામંત્રી કિશોર રાઠોડ સહિતનાઓએ મુલાકાત લીધી હોઈ તેવા ફોટો સોશિયલ મીડિયામાં છે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, કલેકટર , ઝોન, મ્યુનિસિપલ કમિશ્નર સહિતના અધિકારીઓ જતા હતા. શું મોટા અધિકારીઓ ત્યાં જતા હોય ત્યારે પીઆઈને સસ્પેન્ડ કરવાથી કઈ થવાનું છે? ઘટના બાદ નૈતિક જવાબદારી છે રાજીનામું આપવાની. હપ્તા ઉઘરાવનાર અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ આપવામાં આવે છે. પ્રમાણિક અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ આપવામાં આવે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ સરકાર તાત્કાલિક દાખલ કરે.
શક્તિસિંહે કહ્યું કે, જ્યારે પણ ધનિકો સામે કાર્યવાહી કરવાનો વારો આવે છે તો સરકાર કે પોલીસ દ્વારા ઢીલું વલણ અપનાવવામાં આવે છે. જ્યારે ગરીબ વ્યક્તિ દ્વારા કોઈ ઝૂંપડું બાંધે કે પછી નાનકડો ઓટલો પણ બાંધવામાં આવે તો મહાનગરપાલિકાઓ દ્વારા બુલડોઝર જેવી કાર્યવાહીઓ કરવામાં આવે છે. પણ જ્યારે ધનિકો દ્વારા લોકોના જીવ સાથે રમત રમવામાં આવે તો કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
