<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

શાકભાજીની આવક ઘટી, માંગ યથાવત રહી

શાકભાજી-કઠોળના ભાવ વધતા રસોડાનું બજેટ ખોરવાઇ ગયુ

લીંબુના ભાવ રૂ. ૩૦ થી ૧૩૦ થયા, શાકભાજીના ભાવમાં ૧૫ થી ૨૦ ટકા વધ્‍યા

વડોદરા,તા. ૨૯: કાળઝાળ ગરમીનું એકચક્રી શાસન યથાવત રહેતા શાકભાજીની આવક ઘટતા છૂટક બજારમાં શાકભાજીના ભાવ ૧૫ થી ૨૦ ટકા વધ્‍યા છે. ઉનાળામાં લીંબુના ભાવ પણ આસમાનને આંબતા થયા છે. જ્‍યારે બીજીબાજુ કઠોળના ભાવ વધતા ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઇ ગયું છે.

આકાશમાંથી ઓકાતી અગનઝાળના માહોલમાં શાકભાજીની આવક ઘટતા પામી છે. સામાન્‍ય સંજોગોમાં છૂટક બજારમાં લીંબુ રૂ. ૩૦ ના ભાવે ૧ કિલો મળતા હતા જે હવે ૧૩૦ ના ભાવે ક્‍વોલિટી મુજબ વેચાય છે. લીલા નારિયેળ ૧૦૦ રૂપિયાના ૩ નંગ મળતા હતા. જે વર્તમાન સંજોગોમાં નંગ દીઠ રૂ. ૫૦ થી રૂ. ૬૦ ના ભાવે વેચાય છે. છૂટક બજારમાં ટામેટા, બિટ અને ગાજરનો ૧ કિલોનો ભાવ રૂ. ૨૦ હતો જે હાલમાં રૂ. ૪૦ થયો છે. આ મુજબ આદુ રૂ. ૧૦૦ થી ૧૩૦, મરચા રૂ. ૪૦ થી ૬૦, ચોળી અને ગવાર રૂ. ૬૦ થી ૮૦, કોબિજ અને ફલાવર રૂ. ૪૦ થી ૬૦, પરવળ અને ટીંડોળા રૂ. ૬૦ થી ૮૦ ની આસપાસ રમે છે. પ્રવર્તમાન સંજોગોમાં તોતપુરી-કાચી કેરી અને રીંગણના ભાવ ઘટવા પામ્‍યા છે.

કઠોળના ભાવ વધ્‍યા

શાકભાજીના ભાવ વધવા સાથે કઠોળમાં તુવેર દાળનો ૧ કિલોનો ભાવ રૂ. ૧૫૦ થી ૧૬૫ની આસપાસ ધુમરાય છે. જ્‍યારે ચણાદાળનો ભાવ રૂ. ૭૫ થી ૮૫ થયો છે. આવક કરતા માંગમાં અતિશય વધારો નોંધાયા સહિત ચણાનો પાક ઓછો હોય ચણાદાળનો ભાવ વધ્‍યો છે. જ્‍યારે તુવેરદાળની માંગ અન્‍ય રાજ્‍યોમાં વધતા લોકલ માર્કેટમાં શોર્ટેજ સર્જાતા ભાવ વધ્‍યા છે.

શૈલેષભાઇ જી.પટેલ- ચેરમેન, એ.પી.એમ.સી.

(9:39 AM IST)