<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા દરમિયાન ISIના એજન્‍ટો ભાડૂત રૂપે કે ઘરઘાટી રૂપે ઘુશે તેવી આશંકા ?

શાળાઓ ફૂંકી મારવાની ધમકીનો ઇ-મેઇલ પાકિસ્‍તાનથી થવા સાથે સુરતમાં ઝડપાયેલ મોલવી પ્રકરણમાં પાકિસ્‍તાની કનેકશન ખુલતા ગુજરાત એલર્ટ મોડમાં મૂકતા વિકાસ સહાય - શમશેરસિંઘ લોકોને તકલીફ ન પડે તે રીતે ગોદામ, મકાન, નોકર રાખવામાં નિયમો વધુ ચુસ્‍ત, સીસીટીવી કેમેરાની દીવાલ, હોટલ, ગેસ્‍ટ હાઉસમાં પથીક સોફટવેરની એન્‍ટ્રી ફરજીયાત : જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાંજીયાન ટીમ ટોપ ગિયરમા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત, વડોદરા સીપી નરસિંહમાં કોમાર અને રાજકોટ સીપી બ્રજેશ દ્વારા પણ રણનીતિ ઘડવા તાકિદની બેઠક : સીબીઆઇના અનુભવી રાઘવેન્‍દ્ર વત્‍સ અને રાજકોટ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલને મહત્‍વની જવાબદારી સુપ્રત

રાજકોટ તા. ૨૯ : અમદાવાદ એરપોર્ટ પરથી બે આતંકવાદીઓ ઝડપવા, શાળાઓ ઉડાડી દેવાના ઇ-મેઇલ , સુરત પંથકના મોલવીનાં ખતરનાક ઇરાદા સાથે પાકિસ્‍તાની કનેક્‍શન ખુલવા સાથે ગુજરાત સોફટ ટાર્ગેટ હોવાના તારણ પછી રાજયના મુખ્‍ય પોલીસવડા વિકાસ સહાય અને લો એન્‍ડ ઓર્ડર વડા શમશેરસિંઘ દ્વારા રાજયના મહાનગર સહિત જિલ્લા લેવલે કેટલીક એડવાયઝરી જાહેર કરવાના પગલે-પગલે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પોલીસ કમિશનર અને તમામ રેન્‍જ દ્વારા કેટલાક મહત્‍વના પગલાંઓ માટે તકેદારી લેવા પોતાના તમામ અધિકારીઓને સાવધાન રહી, મકાન કે ગોદામ ભાડે આપવાનાં નિયમો ચુસ્‍ત બનાવ્‍યા છે, આની સાથે સાથે આગામી રથયાત્રા સહિતના તહેવારોના લાભ ઉઠાવી ઉગ્રવાદી તત્‍વો અફડાતફડી મચાવે તેવી શંકાના આધારે ઘરના ઘરકામ માટે (ઘર ઘાટી) રાખતા પહેલા નજીકના પોલીસ મથકમાં તેની જાણ કરવા, તેના ઓળખપત્ર માંગવા અને તેના રેફરન્‍સ માટે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 

સુત્રોમાંથી મળતા નિર્દેશ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર માફક સુરત સીપી અનુપમસિંહ ગેહલોત, વડોદરા સીપી નરસિંહમા કોમાર તથા રાજકોટના નવ નિયુક્‍ત પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા પણ આ બાબતે અમલવારી કરવા અને આ કાર્યવાહીમાં લોકોને કોઈ તકલીફ ન પડે તેની કાળજી રાખવા પણ તમામ પોલીસ મથકને સૂચના આપવામાં આવી છે.          

ગુજરાતમાં તાજેતરમાં જે બધી ઘટનાઓ તથા પાકિસ્‍તાની કનેક્‍શન બહાર આવ્‍યા બાદ અમદવાદની ઐતિહાસિક રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ સાથે આખા અમદાવાદમાં લોકો પણ આ દેશહિતના કાર્યમાં સહયોગ કરે તે માટે પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા , ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, ડીસીપી અજિત રાંજિયાંન, એસીપી શ્રી જોશી ટીમ દ્વારા લોકો પણ સીસીટીવી કેમેરા લગાવી સુરક્ષા વ્‍યવસ્‍થા વધારે તે માટે અપીલ થયેલ છે. આજ રીતે અનુપમસિંહ ગેહલોત દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત કે જેઓ સીબીઆઇનો વિશાળ અનુભવ ધરાવે છે તેમની મદદથી લોકો સીસીટીવી મોટા પ્રમાણમાં લગાવે તે માટે જન અભિયાન શરૂ કરવામાં આવનાર છે, જે માટે પીસીબી પીઆઇ આર.એસ સુવરાં, એસઓજી પીઆઇ અશોક ચૌધરી વિગેરે માસ્‍ટર પ્‍લાન બનાવી રહ્યા છે.            

અત્રે યાદ રહે કે રાજયની બોર્ડર સહિત વિવિધ શહેર જિલ્લામાં સીસીટીવી કેમેરા લગાવવાનો વિશ્વાસ પ્રોજેકટ જેમની દેન છે તેવા નરસિંહમાં કોમાર વડોદરાની સંવેદનશીલતા ધ્‍યાને રાખી એસીપી ક્રાઇમ વિગેરેને મહત્‍વની જવાબદારી સુપ્રત કરી છે, રાજકોટમાં સુરક્ષાની રણનીતિ સીપીનાં માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ જેવા જાગૃત આઇપીએસ હસ્‍તક છે.

છેલ્લે મળતા નિર્દેશ મુજબ રથયાત્રા સંદર્ભે અમદાવાદની હોટલો, ગેસ્‍ટ હાઉસમાં પથિક સોફટવેરમાં નોંધણી કરવા આદેશ બહાર પડ્‍યા છે, જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક અને શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રજિયાન ટીમ કાર્યરત બની છે

(12:29 PM IST)