News of Wednesday, 29th May 2024
રાજકોટનો અગ્નિકાંડ તંત્ર અને પોલીસની બેદરકારી : SITનો પ્રાથમિક રિપોર્ટ
સીઆઇડીના વડા સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની ટીમે સતત ત્રણ દિવસ - રાત તપાસ કરી અહેવાલ સુપ્રત કર્યો : આવતા દિવસોમાં વધુ કેટલાક અધિકારીઓ સામે તોળાતા પગલા ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આજે એસઆઇટીની મળી રિવ્યુ બેઠક : જવાબદાર હોય તેને શોધી કડક કાર્યવાહીના ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ : IAS - IPS અધિકારીઓની પણ થશે પૂછપરછ : ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેવી સિસ્ટમ બનાવી જોઇએ : સુભાષ ત્રિવેદી

રાજકોટ તા. ૨૯ : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે તપાસ માટે નિમેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે મોડી સાંજે રાજય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. ત્રણ દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે. સરકાર વધુ કડક કાર્યવાહી કરે તેવી શકયતા છે. દરમિયાન આજે બપોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે એસઆઇટીના સભ્યો સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશનલ કમિશનર બંછાનિધી પાની, એફએસએલના ડાયરેકટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા અને માર્ગ મકાન વિભાગના સુપ્રિટેન્ડીંગ એન્જીનિયર એમ.બી.દેસાઇની રિવ્યુ બેઠક મળી હતી. જેમાં આવતા દિવસોમાં જવાબદાર આઇએએસ - આઇપીએસ અધિકારીઓની પૂછપરછના આદેશો પણ આપવામાં આવ્યા છે.
આ અહેવાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારોની લાપરવાહીને કારણે જ આગ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની તપાસ માટે રાજય સરકારે સીઆઈડી ક્રાઈમના સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી હતી. સીટે ત્રણ દિવસની તપાસના અંતે મોડી સાંજે સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કરી દીધો છે. સૂત્રોના મતે, સીટે બે દિવસ સુધી ટીઆરપી ઝોન અગ્નિકાંડની તપાસ કરી કેટલાક પુરાવાઓ હાથવગા કર્યા હતાં. આ ઉપરાંત આગ દુર્ઘટના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા મ્યુનિ.કોર્પોરેશન, ફાયર અને પોલીસ અધિકારી અને કેટલાંક સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતાં.
આ ઉપરાંત ટીઆરપી ગેમઝોનની બાંધકામની પરવાનગી, ફાયર એનઓસી, પોલીસની મંજુરી, મનારંજન લાયસન્સ સહિત અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની મંજૂરીમાં કોની સાથે સાઠગાંઠ હતી જેના તપાસ કરાઈ છે. પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો. જેમાં આ કરૂણાંતિકા માટે જવાબદાર કોણ? તે અંગે તારણ રજૂકરાયા છે. સીટના સભ્યો પ્રાથમિક અહેવાલ લઈને રાજકોટથી ગાંધીનગર આવી પહોચ્યા હતાં.
આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીએ મુખ્યમંત્રી-ચીફ સેક્રેટરીને અહેવાલ સોંપવામાં આવ્યો હતો. સીટનો પ્રાથમિક અહેવાલ આવે તે પહેલાં જ ચૂંટણી પંચની મંજૂરી લઈને સરકારે અગ્નિકાંડમાં જવાબદાર એવાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન, માર્ગ અને મકાન તથા પોલીસ વિભાગનાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયાં છે. આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશ્નર તથા મ્યુનિ.કમિશ્નર સહિત ચાર આઈએએસ- આઈપીએસ અધિકારીઓની તાબડતોબ બદલી કરી દેવામાં આવી છે.
દરમિયાન રિવ્યુ બેઠક બાદ માધ્યમો સાથે વાત કરતા સીટના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં લોકોના જીવ ગયા છે. તેમને ન્યાય મળશે. જવાબદાર હોય તેમને શોધી કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. સાથોસાથ તેમણે ભવિષ્યમાં આ પ્રકારની કોઇપણ દુર્ઘટના ન બને તે માટે નવી સિસ્ટમ ડેવલોપ કરવાની વાત કરી છે. આ તપાસ લાંબો સમય માગી લે તેમ છે. મૃતકોના આત્માને શાંતિ મળે તે પ્રકારની ન્યાયિક કામગીરી કરવામાં આવશે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
