News of Thursday, 30th May 2024
પાલનપુરમાં રમતા-રમતા બાળક કારમાં લૉક થઇ ગયું : ગુંગળામણના કારણે બાળક મોતને ભેટ્યો
રમતા-રમતા તે ઘર આગળ પાર્ક કરેલી મકાન માલિકની ગાડીમાં ઘૂસી ગયો:કારનો દરવાજો ઑટોમેટિક લોક થઈ જતાં બાળક અંદર ફસાઈ ગયો

પાલનપુર : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બનાસકાંઠા જિલ્લાના પાલુનપુરના ગણેશપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં એક બાળક રમતા-રમતા ઘર આગળ પાર્ક ગાડીમાં ચડી ગયો હતો. જે બાદ કારના દરવાજા લૉક થઈ જવાથી ગુંગળામણના કારણે બાળક મોતને ભેટ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ હડાદ પોશીનાની વતની અને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી મનિષા દવે નામની મહિલાના પતિ સાથે છૂટાછેડા થઈ ચૂક્યા છે. હાલ મનિષા પોતાના માતા-પિતા અને પાંચ વર્ષીય પુત્ર નીક્ષિક સાથે શહેરના ગણેશપુરા વિસ્તારમાં રહેતી હતી.
ગત બુધવારે નીક્ષિક ઘર આંગણે રમી રહ્યો હતો. આ દરમિયાન રમતા-રમતા તે ઘર આગળ પાર્ક કરેલી મકાન માલિકની ગાડીમાં ઘૂસી ગયો હતો. થોડીવાર બાદ કારનો દરવાજો ઑટોમેટિક લોક થઈ જતાં બાળક અંદર ફસાઈ ગયો હતો.
થોડીવાર બાદ ઘર આંગણે રમી રહેલો બાળક જોવા ના મળતા માતા સહિતના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન કારની તલાસી લેતા તેમાં બાળક બેભાન હાલતમાં મળી આવ્યું હતુ. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતુ.
બે દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાંથી પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં અમેઠીમાં રહેતી મહિલા વેકેશન હોવાથી પોતાના 4 વર્ષના બાળક સાથે પિયર રાયબરેલીમાં આવી હતી. જ્યાં મહિલાનો પુત્ર અને તેના ભાઈનો 6 વર્ષીય પુત્ર ઘર આગળ રમી રહ્યાં હતા. જ્યાં મહિલાના ભાઈની સફારી કાર પાર્ક કરી હતી. આ દરમિયાન રમતા-રમતા બન્ને બાળકો સફારીમાં બેસી ગયા હતા. જ્યાં કારનો દરવાજો લૉક થઈ જતાં બન્ને બાળકોનો શ્વાસ રુંધાઈ જવાથી વારાફરતી બન્ને મોતને ભેટ્યા હતા.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
