તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા 4 આતંકીઓના હેન્ડલરને શ્રીલંકાની પોલીસે કોલંબોથી ઝડપી પાડ્યો
ATSની એક ટીમ સતત શ્રીલંકન એજન્સીના સંપર્કમાં હતી.

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા 4 આતંકીઓના હેન્ડલરને શ્રીલંકાની પોલીસે કોલંબોથી ઝડપી પાડ્યો છે. હકીકતમાં ગત મહિને જ્યારે એરપોર્ટ પરથી ચારેય આતંકવાદીઓ ઝડપાયા તે બાદ ATSની એક ટીમ સતત શ્રીલંકન એજન્સીના સંપર્કમાં હતી.
જેના આધારે કોલંબો પોલીસે 46 વર્ષીય ગેરાલ્ડ પુષ્પરાજ ઉસ્માનની જાણકારી આપનાર માટે 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. આ માટે પોલીસે એક વીડિયો પણ જારી કર્યો હતો.
ગત મહિને ઈન્ડિગોની ફ્લાઈટમાં 4 શ્રીલંકન નાગરિકો મોહમ્મદ નુસરત અહેમદ ગની, મોહમ્મદ ફારિસ, મોહમ્મદ ફારુક અને મોહમ્મદ રસદ્દીન અબ્દુલ રહીમ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં ATSની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા.
જેમની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ શ્રીલંકામાં પ્રતિબંધિત ઈસ્લામિક સંગઠન NTJના સભ્યો છે. એપ્રિલ-2019માં ઈસ્ટર બોમ્બિંગની ઘટનામાં આ સંગઠનની સંડોવણી સામે આવતા શ્રીલંકન સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ આતંકીઓ પાકિસ્તાનમાં રહેતા ISISના હેન્ડલર અબુ સાથે સંપર્કમાં હતા. જેણે તમામને હીજરા કરવા માટે ઉશ્કેરીને RSS, BJP, યહુદી અને ખ્રિસ્તી સંગઠનો પર હુમલો કરવા માટે સૂચના આપી હતી. જ્યારે આતંકી નુશરથના મોબાઈલમાંથી મળેલા લોકેશનના આધારે નાના ચિલોડાથી હથિયારો જપ્ત કર્યાં હતા. હવે પુષ્પરાજ ઉસ્માનની પૂછપરછમાં બીજા અનેક ટાર્ગેટને લઈને ચોંકાવનારા નામનો ખુલાસો થઈ શકે છે.
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
