<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ઉનાળું વેકેશન 22 જૂન સુધી લંબાવવાની માંગ :શાળા સંચાલક મંડળની મુખ્યમંત્રીને રજૂઆત

રાજ્યમાં હીટવેવની અસર : જો ગરમી યથાવત રહેવાની હોય તો વેકેશનને એક સપ્તાહ માટે લંબાવવા માંગ

અમદાવાદ :ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભીષણ ગરમીને પગલે લોકોને લૂ લાગવી, ચક્કર આવવા, ઉલટી થવી જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના કેટલાક ભાગોમાં આકરી ગરમીના કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. એવામાં શાળા સંચાલક મંડળ દ્વારા સ્કૂલનું વેકેશન લંબાવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું કે, અત્યારે રાજ્યમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. આગામી દિવસો પણ ગરમી યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ આગામી 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જેથી આ દિવસથી સ્કૂલો ખુલી રહી છે. હવે જો આવી જ ગરમી યથાવત રહેવાની હોય તો વેકેશનને એક સપ્તાહ માટે લંબાવવું જોઈએ.

આ માટે ભાસ્કર પટેલ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, ઉનાળું વેકેશન એક સપ્તાહ લંબાવીને 22 જૂન સુધી કરવામાં આવે. મોટાભાગની CBSE સ્કૂલો જૂન મહિનાના અંત અથવા જુલાઈની શરૂઆતમાં ખુલી રહી છે.

આ ઉપરાંત રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અત્યારે શાળાઓમાં ફાયર સેફ્ટીની કામગીરી કરવામાં આવી રહી છે. એવામાં જો વેકેશન વધુ એક સપ્તાહ લંબાવવામાં આવે, તો સ્કૂલોને આ કામગીરી કરવાનો સમય મળી શકે છે. જ્યારે દિવાળીનું વેકેશન 21 દિવસનું હોય છે, તેની જગ્યાએ 14 દિવસનું કરીને આ 7 દિવસો ઉનાળુ વેકેશનમાં લંબાવી દેવા જોઈએ.

( IST)