તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
અંબાજી બાદ ભાદરવી પૂનમે પહેલીવાર ઊંઝામાં મા ઉમિયાના મંદિરે 10 દિવસનો મેળો: 12 હજારથી વધુ ધજા અર્પણ કરાશે
મેળામાં આશરે 251થી વધારે સંઘો આવશે. તમામ સંઘોનું ઊંઝા મા ઉમિયા મંદિરથી 10 કિલોમીટર દૂર ઉતારો તેમજ સ્વાગત કરાશે: જુદી-જુદી સંસ્થાઓ દ્વારા ઊંઝાથી 50થી 60 કિલોમીટર સુધી પગપાળા સંઘોની સેવા કેમ્પનું પણ આયોજન ;મેળામાં 25 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ભાગ લેશે.

અમદાવાદ : અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. હવે અંબાજી બાદ ભાદવરવી પૂનમે ઊંઝા સ્થિત મા ઉમિયા મંદિર ખાતે પણ મેળાનું આયોજન કરાશે.
ઊંઝાના મા ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે (નેતાજી) આ અંગે જણાવ્યા મુજબ, "પહેલીવાર ઊંઝા ખાતે ભાદરવા મહિનામાં મેળાનું આયોજન કરાશે. કેટલાક વર્ષથી ભાદરવી પૂનમે લાખોની સંખ્યામાં મા ઉમિયાના ભક્તો સંઘ મારફતે પૂનમ ભરવા આવે છે. આ વર્ષથી ઊંઝામાં 10 દિવસીય મેળાનું આયોજન કરાયું છે.
મા ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે (નેતાજી) વધુમાં જણાવ્યું કે, " પહેલીવાર ઊંઝામાં યોજાનારા ભાદરવી પૂનમના મેળામાં આશરે 251થી વધારે સંઘો આવશે. તમામ સંઘોનું ઊંઝા મા ઉમિયા મંદિરથી 10 કિલોમીટર દૂર ઉતારો તેમ જ સ્વાગત કરાશે. મેળાની સાથે સતત 7 દિવસ મંદિરમાં 12 હજારથી વધુ ધ્વજા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સાથે જુદી-જુદી સંસ્થાઓ દ્વારા ઊંઝાથી 50થી 60 કિલોમીટર સુધી પગપાળા સંઘોની સેવા કેમ્પનું પણ આયોજન કરયું છે. આ સમગ્ર મહોત્સવ દરમિયાન તમામ ભક્તો માટે બપોરે, સાંજે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે."
મા ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે (નેતાજી)એ વધુમાં જણાવ્યું કે, "મા ઉમિયાના મંદિરે 7 દિવસીય ધ્વજ રોહણ મહોત્સવમાં મુખ્ય 12 હજારથી વધુ ધજા અર્પણ કરાશે. આ સાથે મુખ્ય 11 ધ્વજાની કરોડોના રકમની ઉછામણી કાર્યક્રમની પણ ઉજવણી કરાશે. મા ઉમિયાના સંગઠન, મહિલા સંગઠન અને સંત્સગ મંડળની બહેનો દ્વારા ધજા મહોત્સવની જવાબદારી સંભાળશે. ઉંઝામાં મા ઉમિયા માતાજી સંસ્થાનના અગ્રણીઓ દ્વારા મહોત્સવ દરમિયાન જુદા-જુદા આયોજન કરાશે. તમામ સમાજના લોકો મા ઉમિયાના ધજા મહોત્સવમાં ભાગ લેશે. તેમજ મહોત્સવ પહેલા હજારો બહેનો ઝવેરાની સાથે બગીઓમાં શોભાયાત્રા યોજાશે."
મંદિરના અગ્રણીના જણાવ્યા મુજબ, "પહેલીવાર યોજાનારા મા ઉમિયાના ભાદરવી પૂનમનો મેળાની શ્રદ્ધા- ભક્તિ સાથે ઉજવણી કરાશે. આ મેળામાં 25 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ભાગ લેશે. સાથે આ મહોત્સવમાં ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા 40થી વધુ કમિટીઓ તૈયાર કરાશે. આમ મા ઉમિયાના મંદિર ખાતે ઐતિહાસિક પૃષ્ઠમાં નવું એક સોપાન ઉમેરાશે."
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
