News of Sunday, 2nd June 2024
લાઈટ બંધ કરતા ટોળું જીઇબીની ઓફિસે પહોંચ્યું:કામ કરતા માણસોને ઘેરી લીધા : આખા બાવળાની જ લાઇટો બંધ કરી
ઇલેક્ટ્રિક પાવર સપ્લાય કરતી ઓફિસમાં કામ કરતી વખતે સ્વીચ બોર્ડ ઓપરેટરે મોર્ડન ફીડરમાં બગડેલા ડીપીને બદલવા માટે લાઇટો બંધ કરતા વિસ્તારમાં લાઇટો બંધ થઇ ગઈ: લોકોનું ટોળું કચેરીએ પહોંચ્યું : ઘર્ષણ કરતા 100થી વધુ લોકોના ટોળા સામે ગુન્હો નોંધાયો

બાવળા ખાતે આવેલી જીઇબીની પાછળ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય કરતી ઓફિસમાં કામ કરતી વખતે સ્વીચ બોર્ડ ઓપરેટરે મોર્ડન ફીડરમાં બગડેલા ડીપીને બદલવા માટે લાઇટો બંધ કરવામાં આવી હતી. જેને કારણે વિસ્તારમાં લાઇટો બંધ થઇ ગઈ હતી તેથી ત્યાંના લોકો રાત્રે અસહ્ય ગરમી હોવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકોનું ટોળું જીઇબીની ઓફિસે પહોંચ્યું અને ત્યાં કામ કરતા લોકો સાથે ઘર્ષણ કરીને આખા બાવળાની જ લાઇટો બંધ કરી દીધી હતી. આ મામલે પોલીસને જાણ કરતા બાવળા પોલીસે 100 લોકોના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જીઇબીની પાછળ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય કરતી સરકારી કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતા મુળ ખંભાતના રાહુલભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, બે દિવસ પહેલા રાત્રિના સમયે મોર્ડન ફીડરમાં ડીપી બગડી ગઈ હતી, તેથી તેને બદલવા માટે લાઇટો બંધ કરી હતી. આ બાબતે સ્વીચ બોર્ડ ઓપરેટર મનોજ ઠાકોરે ફોન કરીને રાહુલભાઇને જાણ પણ કરી હતી. બાદમાં થોડા જ સમયમાં લાઇટો ચાલુ કરી હોવા છતાં ગામના લોકોનું ટોળુ આવીને અમારી સાથે માથાકૂટ કરવા લાગ્યું હતું. જેથી રાહુલભાઈએ તાત્કાલિક ઓફિસે પહોંચ્યા હતા. ત્યારે ઓફિસે 100થી વધુ લોકો ભેગા થયા હતા. ટોળાએ ઓફિસના કમ્પાઉન્ડમાં જાહેરાતના હોર્ડિંગ તોડીને ફાડી નાખ્યા હતા અને કંટ્રોલરૂમમાં કેટલાક લોકોએ સ્ટાફ સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી.
રાહુલભાઇ જુનિયર એન્જિનિયર હોવાથી લોકોએ તેમને પણ ઘેરી લીધા હતા. બાદમાં ટોળાએ હવે પછી રાત્રે કામ ચાલુ કરાવ્યું તો જીવતા નહિ રહો તેવી ધમકી પણ આપી હતી. બાદમાં આખા બાવળાની લાઇટો બંધ કરી દો તો જ ખબર પડશે તેમ કહીને ટોળાએ આખા બાવળાની લાઈટો બંધ કરી દીધી હતી. સ્ટાફના મુકેશભાઈએ લોકોને રોકતા શખ્સોએ તેમને ધક્કો મારીને બારી સાથે અથડાવ્યા હતા. આ મામલે બાવળા પોલીસને જાણ કરાતા પોલીસે હાર્દિક ડોડીયા, શક્તિસિંહ વાઘેલા, મયૂરધ્વજસિંહ ડાભી, રવિ પટેલ, બિજલભાઇ, નંદિશ દેસાઇ સહિત 100 લોકોના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
