<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ગુજરાતમાં 15 જૂનથી વિધિવત ચોમાસું બેસશે: આવતા સપ્તાહથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમી ઘટશે

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ વરસી શકે

અમદાવાદ : કેરળમાં નેઋત્યના ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે અને દક્ષિણ ભારતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત સહિત મધ્ય ભારતના અનેક રાજ્યોમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે.ગુજરાતમાં ભીષણ ગરમીના કારણે પરસેવે રેબઝેબ થતાં લોકો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યાં છે. જેમના માટે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જૂન મહિનાના બીજા સપ્તાહથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જે અંતર્ગત વાદળો ઘેરાતા ગરમી અને બફારામાં આંશિક રાહત મળશે. આ દરમિયાન કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. જ્યારે 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જશે. તેમજ જૂન મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ વરસી શકે છે.

અત્યારે મધ્ય ગુજરાત પર સક્રિય થયેલુ સાઈક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન પર સ્થિર થયું હોવાથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીમાં ઘટાડો થયો છે. આગામી 5 દિવસ સુધી પણ રાજ્યમાં હવામાન સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

 આજે 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી હોટ શહેર બન્યું હતુ. આ ઉપરાંત રાજકોટમાં મહત્તમ તાપમાન 40.5, વડોદરામાં 39.4 અને સુરતમાં 35.7 ડિગ્રી નોંધાયું છે.

(9:45 PM IST)