News of Monday, 3rd June 2024
પતિએ બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા પત્નીને ગર્ભાશયમાં ચાંદી પડી ગઈ
ડોક્ટરે સંબંધ બાંધવાની મનાઇ કરતા મહિલાના પતિએ ડોક્ટર બદલી નાખ્યા હતા

અમદાવાદ,તા. ૩: શહેરમાં રહેતી એક પરિણીતાએ દહેજ ભુખ્યા સાસરિયાઓને લાખો રૂપિયા આપ્યા બાદ પણ ત્રાસ આપવાનું યથાવત રાખ્યું હતું. એટલું જ નહીં મહિલાનો પતિ તેની સાથે અવાર નવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. મહિલા વિરોધ કરે તો તે બળજબરી કરતો હતો. જેને કારણે મહિલાને ગર્ભાશયમાં ચાંદી પણ પડી ગઈ હતી. સારવાર દરમિયાન ડોક્ટરે શારીરિક સંબંધ નહીં બાંધવા માટેની સલાહ આપતા પતિ મારઝુડ કરીને ડોક્ટર બદલી નાખતો હતો. આખરે કંટાળીને પરિણીતાએ આ મામલે ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરમાં ગોતામાં રહેતી ૩૬ વર્ષીય મહિલાના વર્ષ ૨૦૦૭માં મહેસાણાના એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના ત્રણેક મહિના બાદથી સાસરિયાઓ વાંક કાઢીને મહેણા ટોણા મારતા હતા. અવાર નવાર પિતાના ઘરેથી રૂપિયા લઇ આવવાનું કહીને દહેજની માગણી કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં તેનો પતિ અવાર નવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. મહિલા વિરોધ કરે તો તે બળજબરી કરતો હતો. જેના કારણે મહિલાને ગર્ભાશયમાં ચાંદી પણ પડી ગઈ હતી. જેની સારવાર દરમિયાન ડોક્ટરે તેના પતિને શારીરિક સંબંધ નહીં બાંધવા માટેની સલાહ આપી તો પતિએ મારઝુડ કરીને ડોક્ટર બદલી નાખ્યા હતા. સમાજમાં આબરૂ જવાના ડરથી મહિલાએ આ વાતની જાણ કોઇને કરી ન હતી.
મહિલાના સાસરિયાઓએ દહેજ પેટે રૂપિયા માગતા તેણે ટુકડે ટુકડે રૂ.૪૩ લાખ આપ્યા હોવા છતાંય તેને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાએ પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ સાસરિયાએ સુખેથી રહેવા માટે પિતાના ઘરેથી રૂપિયા લઇ આવવાનું કહીને પરિણીતાને ત્રાસ આપ્યો હતો. મહિલાનો પતિ બહારગામ નોકરી અર્થે જતા મહિલા પણ તેની સાથે ગઇ હતી. જયાં તેના પતિએ તેને ખૂબ જ માર મારતાં મહિલાએ તેના પિતાને આ બાબતની જાણ કરી હતી. તેના પિતા તેને પિયરમાં લઇ આવ્યા હતાં. જયાં કેટલાક સમય માટે રહ્યા બાદ સમાધાન થતાં મહિલા પરત સાસરીમાં રહેવા માટે ગઇ હતી. જો કે થોડા સમય બાદ ફરી તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આમ, મહિલાના પિતાએ ટુકડે ટુકડે રૂ.૫૧ લાખ જેટલા રૂપિયા આપ્યા હોવા છતાં અવાર નવાર મહિલાના સાસરિયાઓ રૂપિયાની માગણી કરીને ત્રાસ ગુજારતા હતા. જેથી આ મામલે મહિલાએ પોલીસને જાણ કરતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કેટલાક દિવસ અગાઉ મહિલાનો પતિ બહાર જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. જો કે ઘરે પરત ના આવતા મહિલાએ ફોન કરતા બંધ આવતો હતો. જેથી મહિલા સાસુ, સસરાને ત્યાં ગઇ ત્યારે તેમનું મકાન પણ બંધ હોવાથી મહિલા પિયર જતી રહી હતી. આખરે મહિલાએ ૧૮૧ અભયમ હેલ્પ લાઇનમાં જાણ કર્યા બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
