<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ગુજરાતમાં માવઠાથી પાક નુક્સાનીનો સર્વે પરિપૂર્ણ

અંદાજે ૨૭.૫૦ કરોડથી વધુની સહાય ચૂકવાશેઃગુજરાત રાજ્યમાં કુલ ૧૧.૪૯ લાખ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું

ગાંધીનગર, તા.૩

ગુજરાતમાં ૧૩મી મેથી ૧૮મી મે સુધી થયેલા માવઠાને કારણે ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. રાજ્ય સરકારે માવઠાને કારણે પાક નુકસાનીનો સર્વે કરવા આદેશ આપ્યો હતો જે હવે પૂર્ણ કરી દેવાયો છે. તેનો વિગતવાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે.કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યમાં અંદાજિત ૧૬,૧૭૭ હેક્ટર વિસ્તાર માવઠાને કારણે અસરગ્રસ્ત થયો છે. ગુજરાતના ૭ જિલ્લાના ૧૦,૯૪૩ ખેડૂતોને નુકસાન થયું છે. અંદાજે ૨૭.૫૦ કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા SDRFના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાશે.

કમોસમી વરસાદ બાદ કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે. કૃષિ વિભાગના સર્વે પ્રમાણે અંદાજિત ૧૬,૧૭૭ હેક્ટર વિસ્તારમાં તેમજ કુલ ૧૦,૯૪૩ ખેડૂતો કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત થયા હતા. આમ, પ્રાથમિક અંદાજ મુજબ જીડ્ઢઇહ્લના અંદાજિત સહાય રકમ ૨૭.૫૦ કરોડ રૃપિયા થાય છે. હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત સહાયની રકમ કેટલી થાય છે એ ગણતરી કરવામાં આવી રહી છે.વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કુલ અસરગ્રસ્ત વિસ્તારમાં ૭૩.૩૧ હેકટરનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લાના ૬ સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વલસાડમાં પાક નુકસાની સર્વેમાં કુલ ૧૨ ગામોમાં ૩૩ ટકાથી વધારે નુકસાન હોય તેવો ૪૫.૩ હેકટર વિસ્તાર નોંધાયો જેમાં ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ભરૃચ, નવસારી, ડાંગ જિલ્લામાં બાગાયતી પાકોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી વિગતવાર સર્વે કરવામાં આવતા ૩૩ ટકાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર નોંધાયો નથી.

સુરત જિલ્લામાં કુલ અસરગ્રસ્ત વિસ્તાર ૫૮૮૭.૪૦ હેકટર છે. જેમાં ૫૭૬૭.૪૦ હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારમાં ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ૫૫૧.૧૦ હેકટરનો સમાવેશ થાય છે.

સુરત જિલ્લામાં કુલ ૧૮૩ અસરગ્રસ્ત ગામમાં ૨૦ ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં કુલ ૧૪૭૯ હેકટર વિસ્તાર કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયો છે. આ તમામ વિસ્તારમાં ૩ સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ જિલ્લામાં ૧૨ ગામમાં ૩૩ ટકાથી વધારે નુકસાન થયું હોય તેવા ૯૫૧ હેકટર વિસ્તાર નોંધાયો છે.

રાજ્યમાં કુલ ૧૧.૪૯ લાખ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે પૈકી ૨૨ જિલ્લાઓમાં ૮.૩૮ લાખ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ ખેતી પાકોનું વાવેતર થયું હતું.

(9:45 PM IST)