<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ગેમ ઝોન આગકાંડમાં મનપા, પોલીસ તંત્ર ઉપરાંત માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી

સિટનો હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ થતાં હવે કોની ધરપકડ? તે તરફ સોૈની મીટ : સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની એસઆઇટીએ ચોંકાવનારા તારણો રજૂ કર્યાઃ હવે પછી કોની ધરપકડ? તે તરફ સોૈની નજર : સિટના રિપોર્ટમાં જણાવાયું છે કે ત્રણેય વિભાગની સંયુકત બેદરકારી અને મિલાપીપણામાં આ દૂર્ઘટના બની છેઃ ટીઆરપી ગેમ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે, સિટના રિપોર્ટમાં એવો ખુલાસો કરાયો છે કે કોર્પોરેશનના ટાઉન પ્‍લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે ૩ વર્ષથી ચાલતા ગેરકાયદેસર ગેમ ઝોન સામે એક પણ પગલાં લીધાં નથીઃ ફાયર એનઓસીની તપાસ જવાબદાર બે પીઆઇએ કરી જ નહોતી, વીજ કંપની પાસેથી કોઇ મંજુરી કે અભિપ્રાય લેવાયો નથી, સ્‍થળ તપાસ કર્યા વગર લાયસન્‍સ આપી દીધું હતું

અમદાવાદ તા. ૪: શહેરના નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ ૨૭ નિર્દોષ લોકોના ભોગ લઇ ગઇ છે. આ ગોઝારી દૂર્ઘટનામાં સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ રિપોર્ટ તૈયાર કરી હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો છે. જેમાં ચોંકાવનારા તારણો રજૂ કરાયા છે. ગોઝારા અગ્નિકાંડ માટે કોઇ એક કચેરીના અધિકારીઓ નહિ પણ મ્‍યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ તંત્ર અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ પણ જવાબદાર હોવાનું કહેવાયું છે.  સીટના અધ્‍યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું છે કે ટીઆરપી ગેમ ઝોનમાં ૨૫મી મેના રોજ લાગેલી આગમાં જેટલા લોકોના મૃત્‍યુ થયા છે તે તમામના મોતના જવાબદાર રાજકોટ મનપા, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ એમ ત્રણેય છે. આ જોતાં હવે પોલીસ વિભાગમાંથી પણ ધરપકડ થવાની ચર્ચા વધુ થઇ રહી છે.

હાઇકોર્ટમાં રજૂ કરાયેલા એસઆઇટી (સિટ)ના રિપોર્ટમાં જણાવાયું છે કે ત્રણેય વિભાગની સંયુકત બેદરકારી અને મિલાપીપણામાં આ દુર્ઘટના બની છે. ટીઆરપી ગેમ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે. સિટના રિપોર્ટમાં એવો ખુલાસો કરાયો છે કે કોર્પોરેશનના ટાઉન પ્‍લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે ૩ વર્ષથી ચાલતા ગેરકાયદેસર ગેમ ઝોન સામે એક પણ પગલાં લીધાં નથી. ગેમ ઝોન માટે પાકું બાંધકામ થયાને ત્રણ ત્રણ વર્ષ વીતી જવા છતા તેની સામે આંખ આડા કાન કરવામાં આવ્‍યા હતાં. એટલુ જ નહિ રહેણાંક હેતુ માટે ફાળવેલી જમીન પર કોમર્શિયલ પ્રવળતિ પુરજોશમાં ચાલતી હતી છતા તેને અટકાવવાના કોઇ પ્રયાસો થયા નહોતાં.

આ ઉપરાંત કોર્પોરેશનના ટાઉન પ્‍લાનિંગ ઓફિસર અને એન્‍જીનિયરે ગેરકાયદેસર બિલ્‍ડીંગને હંગામી બાંધકામની કેટેગરીમાં મુકીને ગંભીર બેદરકારી દાખવી છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડના અધિકારીઓએ એકપણ વખત ગેમ ઝોનની કોઇ મુલાકાત લીધી નથી અને નોંધ સુધ્‍ધા લીધી નથી. ફાયર વિભાગના અધિકારીઓના બેજવાબદારપણાને લીધે લોકોના મૃત્‍યુ થયા છે.

રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ સ્‍થળ તપાસ કરી નહોતી. સીટે તેના રિપોર્ટમાં મુખ્‍યત્‍વે ૩ વિભાગને જવાબદાર ઠેરવીને તેમની કઇ બેદરકારી છે તે અંગે અલગ અલગ રિપોર્ટમાં રજૂઆત કરી છે. જેમા માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ ગેમિંગ ઝોન પર સ્‍થળ તપાસ જ નહીં કરી હોવાનું ચોંકાંવનારુ તારણ રજૂ કર્યુ છે. જયારે કોઇ સ્‍થળ પર વિશાળ સમુદાય એકત્ર થતો હોય ત્‍યારે તેવા ટેમ્‍પરરી સ્‍ટ્રકચર માટે માર્ગ-મકાન વિભાગ પાસેથી મંજૂરી લેવાની હોય છે. ટીઆરપી ગેમિંગ ઝોન માટે માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરે સ્‍થળ તપાસ પણ નહોતી. સરકારના પોતાના વિભાગોના અધિકારીઓએ ગંભીર બેદરકારી દાખવી છે.

એમ પણ જણાવાયું છે કે ટીઆરપી ગેમ ઝોનમાં પ્રવેશ કરવા માટે અને બહાર નીકળવા માટે એક જ રસ્‍તો હતો. પહેલા માળે આવેલી સીડી માત્ર ૪ ફૂટની હોવાથી આગ લાગી ત્‍યારે બીજા માળના લોકો પહેલા માળ સુધી જઇ શકયા નહીં. ગેમિંગ ઝોન, રેસ્‍ટોરન્‍ટ વચ્‍ચે સાવ ઓછું અંતર હતું. ઇમરજન્‍સી સમયે બહાર નીકળવાનો કોઇ રસ્‍તો નહોતો.  ગો કાર્ટીંગની જગ્‍યા પાસે કારમાં વપરાતા ફયુઅલની ટાંકી ભરેલી  હતી.

પોલીસ તંત્રનો ક્‍યાં દોષ છે? તે અંગે રિપોર્ટમાં કહેવાયું છે કે ફાયર એનઓસીની તપાસ જવાબદાર બે પોલીસ ઇન્‍સપેકટરે કરી જ નહોતી. વીજ કંપની પાસેથી કોઇ મંજુરી કે અભિપ્રય લેવાયો નથી. પોલીસે સ્‍થળ પર કોઇ જ જાતની તપાસ કર્યા વગર લાયસન્‍સ આપી દીધું હતું.પોલીસ વિભાગે જાહેર અને વિશાળ સમુદાય ભેગો થતો હોય ત્‍યારે સુરક્ષાની સંપૂર્ણ ચકાસણી કરવી પડે છે અને ચકાસણી કર્યા પછી લાયસન્‍સ આપવાનું હોય છે. પરતું પોલીસ અધિકારીઓ સ્‍થળ પર ગયા વિના અને કોઇ નિયમોની ચકાસણી વગર લાઈસન્‍સ આપી દીધું હતું. પોલીસે ફાયર એનઓસીની ચકાસણી કરી જ નહીં. આમ સુભાષ ત્રિવેદીના અધ્‍યક્ષ સ્‍થાને તપાસ કરનાર સિટના રિપોર્ટમાં કોઇ એક નહિ પણ ત્રણ તંત્રના અધિકારીઓ જવાબદાર હોવાનું સુચન કરાયું હોઇ આગામી દિવસોમાં હવે કોની કોની ધરપકડ થાય છે તે જોવુ રહ્યું.

બીજી તરફ રાજકોટ સિટની ટીમના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા અને તેમની ટીમોએ ગઇકાલે મનપા ખાતે ડેપ્‍યુટી ફાયર ઓફિસર બી. જે. ઠેબાની ઓફિસમાં સર્ચ કરી પુરાવા એકઠા કરવા તજવીજ કરી હતી. ગમે ત્‍યારે વધુ એક ફાયર વિભાગના અધિકારીની ધરપકડ થવાની શક્‍યતા જણાવાઇ રહી છે. રાજકોટ પોલીસે ગેમ ઝોનના ભાગીદાર, મેનેજર સહિત પાંચની અને મનપા-ફાયર બ્રિગેડના ચાર મળી કુલ ૯ની ધરપકડ કરી છે. આ તમામની પુછતાછ યથાવત છે અને નક્કર પુરાવા એકઠા કરવા કાર્યવાહી થઇ રહી છે.

(3:21 PM IST)