<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

વલસાડ / ડાંગ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો બે લાખથી ભવ્‍ય વિજય

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ  આજે દેશભરમાં મતગણતરી વચ્‍ચે લોકસભા બેઠકોનાં પરિણામો આવવાં લાગ્‍યાં છે ત્‍યારે ગુજરાતમાં પણ ફરી એકવાર વલસાડ બેઠક પર ભાજપનો દબદબો યથાવત જણાય છે.

   ગુજરાતમાં વલસાડ બેઠકને નિર્ણાયક બેઠક ગણવામાં આવે છે, આમ તો અહી કુલ ૭ ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ ખરી ટક્કર તો ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત ભાઇ પટેલ વચ્‍ચે હતી, જોકે આમાં ભાજપના ઉમેદવાર ધવલ  પટેલ ૨૧૨૨૧૮ જંગી મતોથી જીતી મેદાન માર્યું છે.

  વલસાડ લોકસભા બેઠક હેઠળ કુલ ૭  વિધાનસભા બેઠકોનાં વિસ્‍તારમાં પથરાયેલ છે, જેમાં એક માત્ર વાંસદા વિધાનસભા બેઠકને બાદ કરતાં તમામ વિધાનસભા બેઠકો, જીલ્લા પંચાયતો અને મોટાભાગની ગ્રામ પંચાયતો ઉપર ભાજપનો કબજો છે,  આમ  છતાં આ  વેળાની લોકસભાની ચૂંટણીમાં કેટલાક વિસ્‍તારોમાં કોંગ્રેસનુ તો કેટલાક વિસ્‍તારોમાં ભાજપનુ જોર જણાતું હતું.

   ડાંગ, વાંસદા, ધરમપુર, અને કપરાડા પંથકમાં કોંગ્રેસનુ પલડું ભારે તો વાપી, પારડી, વલસાડ અને ઉમરગામ પંથકમાં ભાજપનુ પલડું ભારે જણાયું હતું.

 લોકસભાની આ ૨૬ વલસાડ (એસ.ટી.) બેઠક પર છેલ્લા ૧૦ વર્ષર્થી ભાજપનુ પ્રભુત્‍વ સતત વધતું જોવા મળી રહયું છે, ગત લોકસભાની ચૂંટણીમાં આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ડો. કે. સી. પટેલ ૩,૫૩,૭૯૭ જંગી મતો થી જીત્‍યા હતાં જે આ બેઠક આજદિન સુધીની સૌથી મોટી જીત હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક ઉપર વર્ષ ૧૯૯૬માં  ભાજપના  ઉમેદવાર મણીભાઈ પટેલ  માત્ર ૩૬૮ મતોથી જીત્‍યા હતા જે આ બેઠક પર સૌથી ઓછી લીડ સાથેની જીત હતી.   એટલે કે આ બેઠક ઉપર સૌથી ઓછી અને સૌથી વધુ લીડ ભાજપના નામે જ નોંધાયેલ  છે,  દેશની અન્‍ય બેઠકોની તુલનામાં આ બેઠક ખુબ જ નિર્ણાયક મનાય છે કેમકે એવું મનાય છે કે આ બેઠક ઉપર જે  પક્ષ જીતે એ જ પક્ષ દિલ્‍હીની ગાદી ઉપર બેસે છે.

  અત્‍યાર સુધી નો આ બેઠક ના ઈતિહાસ જોતા સ્‍પષ્ટ પણે જણાય છે કે અહીં જે પક્ષ જીત્‍યો છે એજ પક્ષની સરકાર કેન્‍દ્રમાં બની છે, આજે ફરી એ સાબીત થવા જઈ રહયુ છે

(4:09 PM IST)