<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

૨૪ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્‍ય અને ‘નીટ'ની વિશ્‍વનિયતાનો સવાલ

કેન્‍દ્ર સરકાર પાસે જવાબ માંગતા હેમાંગ રાવલ

અમદાવાદ તા.૮: દેશભરમાં મેડીકલ પ્રવેશ માટેની નીટ (NEET)ના ૨૪ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના ભવિષ્‍યની સાથોસાથ NEETની વિશ્વસનીયતા સામે ઉભા થયેલા પ્રશ્‍નો અંગે શિક્ષણ વિભાગનો જવાબ માગતા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના પ્રમુખ શ્રી હેમાંગ રાવલે જણાવ્‍યું હતું કે  NEET ના પરિણામોઅંગે ૨૪ લાખ યુવાનો અને તેમના માતા-પિતામાં ભારે બેચેની છે. નેશનલ ટેસ્‍ટીંગ એજન્‍સી (NTA) કે કેન્‍દ્ર સરકાર વિવાદો, આશંકાઓ અને પ્રશ્‍નોના જવાબ આપી રહી નથી. વિદ્યાર્થી-વાલીઓના પ્રશ્‍નોના જવાબ આપવાથી ભાગી રહી છે. NEET પરીક્ષામાં ૬૭ ઉમેદવારોએ ૭૨૦/૭૨૦ માર્ક્‍સ મેળવ્‍યા હતા એટલે કે ૧૦૦ ટકા સ્‍કોર. પરંતુ પાછલા વર્ષોમાં ટોપર્સ જોઈએ તો. વર્ષ ૨૦૧૯માં ૧ ટોપર, વર્ષ ૨૦૨૦માં ૧ ટોપર, વર્ષ ૨૦૨૧માં ૩ ટોપર્સ, વર્ષ ૨૦૨૨માં ૧ ટોપર, વર્ષ ૨૦૨૩માં ૨ ટોપર્સ અને વર્ષ ૨૦૨૪માં ૬૭ ટોપર્સ આ પોતે જ ‘‘અશકય'' લાગે છે, કારણ કે NEET પેપરમાં દરેક ખોટા જવાબ માટે નેગેટિવ ર્માકિંગ હોય છે. શું એવું બની શકે કે ૬૭ લોકોએ ૧૦૦ ટકા સાચા જવાબો આપ્‍યા? આ એક સંયોગ છે કે પ્રયોગ? NEET ના ૬૭ ટોપર્સમાંથી, ૪૪ ટોપર્સ એવા છે કે જેઓ ‘‘ગ્રેસ માર્ક્‍સ''ના આધારે ટોપર્સ બન્‍યા છે. ત્‍યારે શું તે પોતે જ ‘‘ર્માકિંગની પ્રક્રિયા'' અને ‘‘પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા અને માન્‍યતા'' પર પ્રશ્‍નો ઉભા કરતું નથી?

NEET પરીક્ષા ૫ મે, ૨૦૨૪ ના રોજ યોજાઈ હતી અને તેનું પરિણામ ૧૪ જૂન, ૨૦૨૪ ના રોજ જાહેર થવાનું હતું. ત્‍યારબાદ અચાનક પરિણામ ૪ જૂન, ૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવ્‍યું.  આ એ જ દિવસ હતો જ્‍યારે દેશની સંસદીય ચૂંટણીના પરિણામો આવ્‍યા અને આખો દેશ લોકસભા ચૂંટણીના પરિણામો સાંભળવામાં વ્‍યસ્‍ત હતો. શું NEETનું આ પરિણામ ઉતાવળમાં બહાર પાડવામાં આવ્‍યું હતું? NTAની આ કઈ પ્રકારની NEET પરીક્ષા પદ્ધતિ છે, જે સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે.  શું કેન્‍દ્ર સરકાર પાસે કોઈ જવાબ છે? પ્રશ્ન ૨૪ લાખ બાળકોના ભવિષ્‍યનો પણ છે. પ્રશ્ન NEET પરીક્ષાની વિશ્વસનીયતાનો પણ છે. પ્રશ્ન ગરીબ અને મધ્‍યમ વર્ગના બાળકોને સમાન તક આપવાનો પણ છે. પ્રશ્ન આશંકાઓ અને વિવાદોથી ઉપર ઉઠવાનો અને જવાબદારી નક્કી કરવાનો પણ છે. ન્‍યાયનો પણ પ્રશ્ન છે. કેન્‍દ્ર સરકારે સવાલોના જવાબ આપવા પડશે. તેમ હેમાંગ રાવલ જણાવે છે.

(11:48 AM IST)