<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

હીરા ઘસવાની સરણની ચોરી કરનાર ઝડપાયો

આરોપી સરણની સાથે બાઇકની ચોરી કરી હતી :બે બાઈક સહિત ૧૦ જેટલી સરણ સાથે આરોપીને બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યો હતો

સુરત, તા.૮ :સુરત કાપડ બજાર અને હીરા બજાર માટે ખ્યાતનામ છે. ત્યાં અનેક કારીગરો રોજના કેટલાય હીરા ઘસીને પોતાની રોજી રોટી કમાતા હોય છે. સમગ્ર વિશ્વ આજે પણ સુરતના હીરાની ચમકથી આંજી જાય છે.  વિશ્વના ૧૦માથી ૯ જેટલા હીરાને ચળકાટ આપવાનું કામ ફક્ત સુરતમાં થાય છે. સુરતમાં હીરા સરણ પર ઘસવામાં આવતાં હોય છે. ત્યારે આ સરણને સમયાંતરે મંજાવવાની જરૃર રહેતી હોય છે. જયારે સરણ મંજાઇ જાય ત્યારબાદ તેને દુકાનની બહાર મૂકી દેવામાં આવતી હોય છે.

એવા સંજોગોમાં કોઈ ગાંઠિયાની નજર એના પર પડી અને તેને આવી માંજેલી સરણ દુકાન બહારથી ચોરી કરવાનું કારસ્થાન રચ્યું.  ત્યારબાદ આ જ સરણને સસ્તા ભાવે વેચી મરાતી હોવાનું સામે આવ્યું હતું. બનાવની વિગત મુજબ કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં હીરાના કારખાના મોટી સંખ્યામાં આવેલા છે. સાથે જ હીરાના કારખાનામાં ઉપયોગમાં લેવાતી સરણને માંજવાની દુકાનો પણ આવેલી છે. આ દુકાનોમાં સરણ માંજ્યા બાદ તેને દુકાનની બહાર મૂકી રાખવામાં આવતી હોય છે. જો કે, આ સરણને એક અજાણ્યા વ્યક્તિએ ચોરી કરી .

ઉપરાંત સરણને લઈ જવા માટે બે બાઈકની પણ ચોરી કરવામાં આવી હતી. બે બાઈક સહિત ૧૦ જેટલી સરણ સાથે આરોપીને બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યો હતો. જીવન ગુજરાન ચલાવવા માટે આરોપી ચોરી કરતો હતો. તેની પાસેથી કાપોદ્રા પોલીસે ૧ લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી.

(7:37 PM IST)