તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
જળસ્તર વધારવાની સરળ અને અનોખી પધ્ધતિ એટલે મધપૂડા જેવી ડીઝાઇનના ખંભાતી કૂવાઓ

અમદાવાદ તા. 10: અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડકવાર્ટરમાં બનેલ ખંભાતી કૂવાનો વીડીયો હાલમાં સોશ્યલ મીડીયા પર બહુ વાયરલ થઇ રહ્યો છે. આ કૂવાની ખાસિયત એ છે કે તેનાથી આ વિસ્તારના જળસ્તરને ઉંચુ લાવવામાં મદદ મળે છે અને તેનાથી પાણીમાં ક્ષાર પણ બહુ ઓછા હોય છે.
ગુજરાત પોલિસ આવાસ નિગમન એમ.ડી. (એડીજીપી) હસમુખ પટેલે વીડીયો શેર કરીને જણાવ્યું કે જળ સંરક્ષણના ઉદ્દેશથી ગ્રામ્ય પોલીસ હેડ કવાર્ટરમાં ખંભાતી કૂવો બનાવાયો છે. તેમાં એક વર્ષમાં 60 પરિવારોની જરૂરિયાત જેટલું પાણી ઉતારી શકાય છે. તેમણે જણાવ્યું કે જળસ્તર ઉપર લાવવામાં રિચાર્જ વેલની જગ્યાએ ખંભાતી કૂવા વધુ કારગત છે.ફ રિચાર્જ વેલની જગ્યાએ આ કૂવાઓમાં પાણી વધારે પ્રમાણમાં જમીનમાં ઉતારી શકાય છે. એ પાણીનો સંગ્રહ પણ કરે છે. બીજી તરફ, વરસાદનું પાણી બહારના વિસ્તારોમાં મુશ્કેલી ઉભી કરવાના બદલે આ કૂવાઓમાં સરળતાથી ઉતારી શકાય છે. ખંભાતી કૂવો દર કલાકે પ0 થી 80 હજાર લીટર પાણી જમીનમાં ઉતારે છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં 100 ખંભાતી કૂવાઓ બન્યા છે અને તેના સારા પરિણામો પણ મળ્યા છે.
ખંભાતી કૂવાની ડીઝાઇન મધમાખીના પૂડા જેવી હોય છે. તેમાં પાણી એવી રીતે ફીલ્ટર થાય છે કે જમીનમાં જતા પહેલા તેના ટીડીએસ ઓછા થઇ જાય છે. એડીજીપી પટેલે જણાવ્યું કે લોકેન્દ્ર બાલાસરિયાના સહયોગથી કારીગર હકીમભાઇએ આને બનાવ્યો છે. તે 30 ફુટ ઉંડો અને 1પ ફુટ પહોળો છે. તેના ઉપર આસીસી સ્લેબનું કામ બાકી છે. સુત્રો અનુસાર, અમદાવાદ શહેરમાં આવા 100 કૂવાઓ બનાવાયા છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
