<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો : કોલેરાનાં 19 કેસ નોંધાયા :દવાખાનાં દર્દીઓથી ઉભરાયા

શહેરનાં અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર વિસ્તારમાં કોલેરાનાં કેસમાં વધારો: છેલ્લા 10 દિવસમાં શહેરમાં ઝાડા ઉલ્ટીનાં 468 કેસ: કમળાનાં 73 કેસ, ટાઈફોઈડનાં 156 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગનાં કેસમાં વધારો થવા પામ્યો છે. 10 દિવસમાં શહેરનાં અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગનાં કેસમાં વધારો થવા પામ્યો છે. કોલેરાનાં રોગમાં એકાએક વધારો થતા દવાખાનાં દર્દીઓથી ઉભરાઈ જવા પામ્યા હતા. જુનનાં 10 દિવસમાં કોલેરાનાં 19 કેસ નોંધાયા હતા. શહેરનાં અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર વિસ્તારમાં કોલેરાનાં કેસમાં વધારો થયો હતો.

છેલ્લા 10 દિવસમાં શહેરમાં ઝાડા ઉલ્ટીનાં 468 કેસ નોંધાયા હતા. જેમાં કમળાનાં 73 કેસ, ટાઈફોઈડનાં 156 કેસ નોંધાવા પામ્યા હતા. જૂન મહિનામાં 1415 પાણીનાં નમૂના લેવાયા હતા. જેમાં 29 નમૂનાં ફેલ થયા હતા. ગરમીની સિઝનમાં 1108 કેસ હિટ ઈલનેસનાં નોંધાયા હતા.

આ બાબતે એએમસીનાં આરોગ્ય વિભાગનાં ર્ડા. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં જૂન માસ દરમ્યાન પાણીજન્ય રોગો નોંધાવા પામ્યા છે. જેમાં ઝાડા ઉલ્ટીનાં 468, કમળાનાં 73, ટાઈફોઈડનાં 153 કેસ, તેમજ કોલેરાનાં 19 કેસ નોંધાવવા પામ્યા છે. જે પૈકી કોર્પોરેશન દ્વારા આ પ્રકારનાં વિસ્તારો તેમજ જે જગ્યાએથી પાણીની ફરિયાદ આવેલ છે. તે તમામ જગ્યાઓ પર આરોગ્ય વિભાગ દ્વારા પાણીનાં સેમ્પલ લેવામાં આવેલ છે. તેમજ ક્લોરીન ટેસ્ટ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ચાલુ માસ દરમ્યાન 1400 થી વધારે પાણીનાં સેમ્પલ લેવામાં આવેલ છે. આ પૈકી 29 વિસ્તારમાં પાણીનાં સેમ્પલ ફેલ થયેલ છે. જેથી આવા તમામ વિસ્તારોમાં ક્લોરીન ટેબલેટનું વિતરણ તેમજ પાણીની પાઈપ લાઈન રિપેરિંગ માટે એન્જીનીયરીંગ વિભાગને જાણ કરવામાં આવેલ છે.

(1:18 PM IST)