<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

પુરવઠા વિભાગે સીલ કરેલ પેટ્રોલ પંપના સીલ તોડી ભેળસેળયુકત ડીઝલ વેચાતુ હતું : કે.ટી.કામરીયા

ગોંડલના જામવાડીની જે જગ્‍યામાં સ્‍ટેટ મોનીટરીંગ સેલે એસપી નિલિપ્‍ત રાયના આદેશથી દરોડો પાડવામાં આવ્‍યો તેની તપાસમાં ચોંકાવનારી હકિકતો ખુલ્લી : અકિલા સાથે એસએમસી ડીવાયએસપીની વાતચીત ૩ આરોપી સકંજામાં : બે વોન્‍ટેડ આરોપીઓને શોધવા મથામણ : મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં ગાંધીનગરથી પુરવઠા ટીમ સાથે મોટી કાર્યવાહી

રાજકોટ,તા., ૧૧: ગોંડલના જામવાડી અને જેતપુર પંથકના કાગવડના પાટીયા પાસે ભેળસેળયુકત ડીઝલનો મોટેપાયે કારોબાર ચાલી રહયાની સ્‍ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને મળેલી ચોક્કસ બાતમી આધારે રાજયના મુખ્‍ય પોલીસવડા વિકાસ સહાય અને એસપી નિર્લિપ્‍ત રાય ટીમના ડીવાયએસપી કે.ટી.કામરીયા સ્‍ટાફ દ્વારા પાડેલ દરોડોમાં ર૮,૦૦૦ લીટરથી વધુ ડીઝલ મળી આવવાના મામલામાં અકિલા સાથેની વાતચીતમાં સ્‍ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાએ ચોંકાવનારી હકિકતો વર્ણવી હતી.

ડીવાયએસપી કે.ટી.કામરીયાના કથન મુજબ જામવાડીમાં જે સ્‍થળ ઉપર સ્‍ટેટ મોનીટરીગ સેલ દ્વારા ગાંધીનગરના પુરવઠા વિભાગને સાથે રાખી વિવિધ ટીમો સાથે રેઇડ કરી તેવા જામવાડીમાં આ અગાઉ ર૪ એપ્રિલના રોજ પુરવઠા વિભાગ દ્વારા રેઇડ કરી પેટ્રોલ પંપ સીલ કરવામાં આવેલ. આમ છતાં ચોક્કસ લોકોએ સીલ તોડી ગેરકાયદેસર ભેળસેળીયુ ડીઝલનું વેચાણ ચાલુ કરેલ હતું. આરોપીઓ સામે આઇપીસી એકટ ર૮પ, ર૮૬, ૧ર૦(બી) અને એશેન્‍શીયલ કોમીડીટીસ એકટ ૩, ૭ અને એકસ્‍પ્‍લોઝીવ એકટ ૯ (બી), ૧(બી) મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

રાજકોટ ગ્રામ્‍યના ગોંડલ પોલીસ સ્‍ટેશનની હદમાં સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટી રકમનું ભેળસેળીયું ડીઝલ તથા અન્‍ય મુદ્‌ામાલ અને લાખો રૂપીયાની કિંમતના ટેન્‍કર પણ કબ્‍જે કરવામાં આવેલ છે.

 ભેળસેળીયું ડીઝલનો જથ્‍થો અંડર ગ્રાઉન્‍ડ બે ટેન્‍કોમાં સંતાડવામાં આવ્‍યાનું પણ ડીવાયએસપી કે.ટી.કામરીયા જણાવે છે. તેઓના વિશેષમાં જણાવ્‍યા મુજબ ભેળસેળીયુ ડીઝલ માટે વપરાશમાં લેવાતા ૩ મશીનો અને ચોક્કસ ગણતરી માટે કેલ્‍યુલેટર પણ ઉપયોગમાં લેવાઇ રહયાનું સ્‍ટેટ મોનીટરીંગ સેલની તપાસ દરમિયાન બહાર આવ્‍યું છે.

આ મામલામાં પોલીસે ભરતભાઇ ભુદરભાઇ, સાવનકુમાર રજનીકાંત અને અકિલ સતારભાઇ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બે આરોપીઓ વોન્‍ટેડ હોવાનું પણ ડીવાયએસપી કે.ટી.કામરીયાએ જણાવ્‍યું છે.

રેઇડની કાર્યવાહી પીએસઆઇ આઇ.એસ. રબારી તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(5:21 PM IST)