<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

અમદાવાદની 147મી રથયાત્રા: ભગવાન ત્રણ રાજ્યોના કાપડમાંથી બનેલા વાઘા ધારણ કરી નગરચર્યાએ નીકળશે

જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે તડામાર તૈયારી:22મી જૂને જળયાત્રા :રથયાત્રાના દિવસે ભગવાન જે વાઘા ધારણ કરશે તે માટેનું મટિરીયલ મથુરા, વૃંદાવન અને ગુજરાતમાંથી મંગાવાયુ

અમદાવાદની ઐતિહાસિક 147મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે અને ભગવાનના મોસાળ સરસપુર ખાતે તળામાં તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીના જણાવ્યા અનુસાર, આ વખતે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બળભદ્રજી ત્રણ રાજ્યોમાંથી મંગાવેલા કાપડમાંથી બનેલા વિશેષ વાઘા ધારણ કરી નગરચર્યાએ નીકળશે.

મહંત દિલીપદાસજીએ ગુજરાતી જાગરણને જણાવ્યું કે, "આગામી અષાઢી બીજના દિવસે યોજાનારી 147મી રથયાત્રાની અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ 22 જુને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે રથયાત્રાના દિવસે ભગવાન જે વાઘા ધારણ કરશે તે માટેનું મટિરીયલ મથુરા, વૃંદાવન અને ગુજરાતમાંથી મંગાવવામાં આવ્યું છે. આ વખતે ભરત કામ અને ઝરી કામ કરેલા વાઘા ધારણ કરી ભગવાન નગરચર્યાએ નીકળશે."

ખલાસી આગેવાન કૌશલ ખલાસે જણાવ્યા કે, "અત્યારે રથના નવા પૈડાં બનાવવાનું કામ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા કરવામાં આવી રહ્યું છે. નવાં પૈડાં બનીને આવ્યા પછી રથમાં લગાવી દેવામાં આવશે. આ ઉપરાંત અત્યારે રથમાં જરૂરી કામ કરવામાં આવી રહ્યું છે."

સરસપુરમાં આવેલા મોસાળ એટલે કે શ્રીરણછોડરાયજીના મંદિરે અષાઢી બીજના પવિત્ર દિને ભગવાન શ્રીજગન્નાથજી, બહેન શ્રીસુભદ્રાજી અને શ્રીબલભદ્રજીની નગરયાત્રા જમાલપુર જગદીશ મંદિરેથી પરંપરાગત ભક્તિભાવમય વાતાવરણમાં લોકોત્સવ સ્વરૂપે નીકળશે. તે પૂર્વે જેઠ સુદ પૂનમના દિવસથી ભગવાન મોસાળમાં પંદર દિવસ સુધી રહેશે. તેની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શનનો લાભ સૌ ભક્તજનોને મળે તે માટે તારીખ 22-6-2024એ શનિવારે વાજતે-ગાજતે બેન્ડવાજા, બગી-ગાડી સાથે ભગવાન શ્રીજગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન કરેલું છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે મામેરાના યજમાન છગનભાઈ મોહનભાઈ પ્રજાપતિ છે.

(1:12 AM IST)