<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

સરકાર તમામ મદદ કરશે, ઉકેલ લાવવા પ્રયત્નશીલઃ નિયમ પાળવા જરૂરીઃ મુખ્યમંત્રીની સાફ વાત

શહેર ભાજપની ટીમ મનપા પદાધિકારીઓ દ્વારા પ્રભારી મંત્રી તથા ધારાસભ્યની સાથે ફાયર સેફટી, સીલ, હાઉસીંગ બોર્ડ કવાટરના પ્રશ્ને ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરાયેલ

રાજકોટ,તા. ૧૨: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ બાદ પ્રથમ વખત રાજકોટના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી  ભાનુબેન બાબરીયા, ૭૦ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તથા મેયર  નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે સહિતનું પ્રતિનિધિ મંડળ  બપોર બાદ  રાજકોટ શહેરના વિવિધ પ્રશ્નો/રજુઆતો અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લેવા ગાંધીનગર ગયા હતા. જેમાં  સીલ લગાડવાની ઝુંબેશથી સર્જાયેલ પરિસ્થિતીથી મુખ્યમંત્રીને વાકેફ કરાયેલ.

ભુપેન્દ્રભાઇએ શહેરના ભાજપના પદાધિકારીઓ તથા ધારાસભ્યોને હૈયાધારણા આપતા જણાવેલ કે, સરકાર તમામ મદદ કરશે. ઉકેલ લાવવા પ્રયત્ન કરશે પણ વેપારીઓ સહીત તમામે ફાયર સેફટીના નિયમો પાળવા જ પડશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની આ મુલાકાતમાં રજુઆત કરાયેલ કે, ટી.આર.પી.ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજય સરકારશ્રીની સુચના અન્વયે શહેરમાં આવેલ અલગ અલગ કેટેગરીની મિલકતો જેમાં, શાળા-કોલેજ, હોસ્ટેલ, ટ્યુશન કલાસીસ, હોસ્પિટલો, જ્ઞાતિ/સમાજની વાડીઓ તેમજ જાહેર જનતા એકત્ર થતી હોય તેવી ખાનગી/જાહેર મિલકતમાં બિલ્ડીંગ મંજુર પ્લાન, બિલ્ડીંગ વપરાશ પરમીશન પ્રમાણપત્ર, ફાયર એન.ઓ.સી. વગેરેની ચકાસણી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવેલ છે.

શહેરના સંબંધિત મિલકતધારકો તથા વેપારી એસોસિએશન્સ તરફથી  રજુઆતો મળેલ છે જે અંગે ચર્ચા વિચારણા કરવા/માર્ગદર્શન મેળવવા, મહાનગર પાલિકામાં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ પર અધિકારીની નિમણૂંક/ભરતી કરવા સહીતના મુદ્દે રજુઆત કરાયેલ.

શહેરમાં દુધસાગર રોડ, ડેરીલેન્ડ કવાર્ટર્સ આકાશદીપ સોસાયટી ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે ૫૦ વર્ષ જુના ત્રણ માળીયા કવાર્ટર્સ આવેલ છે. જેના ૬૯૬ જેટલા કવાર્ટર્સ  સંપૂર્ણ ભયગ્રસ્ત અને જર્જરિત હાલતમાં હોઈ, જે કવાર્ટર્સ ખાલી કરવા સંબંધિત મિલકતધારકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વખતોવખત નોટીસ પાઠવવામાં આવેલ  છે. સદરહુ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવારનવાર પત્ર વ્યવહાર કરી, ગુજરાત હાઉસિંગ બોર્ડને પણ અવગત કરવામાં આવેલ છે.

આ કવાર્ટર્સ ધારકો તરફથી રાજકોટ મહાનગરપાલિકાને અલગ અલગ રજુઆતો મળેલ છે. આમ, રાજકોટ મહાનગરપાલિકા લગત જુદા જુદા પ્રશ્નો તથા હાઉસિંગ બોર્ડને લગત પ્રશ્નો અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ પ્રતિનિધિ મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

(4:17 PM IST)