<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

રાજ્યમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી (મોડલ રૂલ્સ)-2024 સૂચિત નિયમો તૈયાર કરાયા - પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

નાગરિકોના વાંધા-સૂચનો માટે મોડલ રૂલ્સ ગૃહ વિભાગની વેબસાઈટ પર મૂકાયા: મોડસ રૂલ્સ અંગે નાગરિકો આગામી તા. ૨૫ જૂન સુધી [email protected] પર પોતાના વાંધા-સૂચનો મેઈલ કરી શકશે

ગાંધીનગર :પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું છે કે, રાજકોટ ટી.આર.પી.ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ (સેફટી) રૂલ્સ- ૨૦૨૪” બનાવવામાં આવ્યા છે. આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ https://home.gujarat.gov.in/Upload/GAMINGZONE(MODELRULES2024FINALDRAFT%20_11062024.pdf પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

મંત્રીએ કહ્યું હતું કે, આ નિયમો અંગે કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા- સૂચનો હોય તેમને આગામી તા. ૨૫ જૂન, ૨૦૨૪ સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી [email protected] પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે ૨૫ જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં. ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ- ૩૩ હેઠળ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટઓને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેઓ આ નિયમને આખરી કરશે તે બાદ તેને પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.


 

(8:02 PM IST)