તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
GST સેવા કેન્દ્રો શરૃ થયા બાદ બોગસ અરજીઓ ઘટી
અરજીઓમાં સરેરાશ ૨૫ ટકા સુધી ઘટાડોઃનિર્મલા સીતારમણના હસ્તે ૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ વાપીથી ૧૨ GST સેવા કેન્દ્રોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું

અમદાવાદ,તા.૧૨
ગુજરાતમાં ૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ GST નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને બોગસ રજીસ્ટ્રેશન અટકાવીને ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશથી નવુ પગલુ ભરવામાં આવ્યું. ગુજરાતમાં ૧૨ GST સેવા કેન્દ્રોની શરૃઆત કરવામાં આવી છે. પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ GST નોંધણીની તમામ પ્રક્રિયા એક જ કેન્દ્ર પર ઝડપથી પૂર્ણ થઇ શકે તેના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાના પરિણામ સ્વરૃપે, નવેમ્બર ૨૦૨૩માં GST સેવા કેન્દ્રની શરૃઆત બાદ સાત મહિનાની અંદર જ, વર્ષ ૨૦૨૨ની સરખામણીએ અરજીઓની સંખ્યામાં સરેરાશ ૨૫ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત સ્ટેટ ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ ગરીબ અને જરૃરિયાતમંદ લોકોના તેમજ બોગસ દસ્તાવેજોના આધારે GST નોંધણી કરાવીને ટેક્સચોરી કરવાની પ્રવૃત્તિ થતી હતી. પરંતુ સેવા કેન્દ્ર પર હવે બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું હોવાથી અસલ અરજદારને ખરાઇ માટે બોલાવવામાં આવે છે.
સ્ટેટ ટેક્સ વિભાગ અનુસાર એક જ કેન્દ્ર પર ૪૦થી વધારે માપદંડોના આધારે અરજીની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને GST નોંધણી નંબર આપવામાં આવે છે. રાજ્યના તથા કેન્દ્રતના GST નોંધણી નંબરની બાયોમેટ્રિકને લગતી તમામ કામગીરી આ ૧૨ GST સેવા કેન્દ્ર ખાતે જતી હોવાથી કામગીરી ખૂબ સરળ, પારદર્શક અને ઝડપી બની ગઇ છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના હસ્તે ૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ વાપીથી ૧૨ GST સેવા કેન્દ્રોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. અત્યારે રાજ્યમાં વાપી, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, ગોધરા, મહેસાણા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને ગાંધીધામમાં કેન્દ્રો શરૃ કરવામાં આવ્યા છે.
ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં GST સેવા કેન્દ્રો શરૃ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ કેન્દ્રોની સફળતાને ધ્યાને લઈ સમગ્ર દેશમાં આ વ્યવસ્થા અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે. GST સેવા કેન્દ્રના અમલ બાદ અત્યાર સુધી અરજીઓમાં થયેલો ૨૫ ટકા જેટલો ઘડાટો આ કેન્દ્રોની કાર્યપ્રણાલીની અસરકારકતા સૂચવે છે. GST કાઉન્સિલના સભ્યો તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના અધિકારીશ્રીઓએ ગુજરાતમાં શરૃ થયેલા કેન્દ્રોની મુલાકાત લીધી છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
