News of Thursday, 13th June 2024
રજાની મજા પૂરી : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ
૩૫ દિવસથી સુમસામ ભાસતા શૈક્ષણિક સંકુલો છાત્રોના કલરવથી ગુંજી ઉઠયા : તા. ૨૭થી શાળા પ્રવેશોત્સવ ઉજવાશે : શરતોને આધીન શાળાઓ ખુલી મુકાઇ : છેલ્લી ઘડીએ પુસ્તકો, સ્કુલ ડ્રેસ, સ્ટેશનરી ખરીદવા ભીડ લાગી

રાજકોટ તા. ૧૩ : ૩૫ દિવસના ઉનાળુ વેકેશનની રજાની મજાનો ભરપૂર આનંદ માણ્યા બાદ આજે તા. ૧૩ના ગુરૂવારે સમગ્ર ગુજરાત રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આજ સવારથી જ રાજમાર્ગો ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓની ચહલ-પહલ જોવા મળી હતી અને સવા મહિનાથી સૂમસામ ભાસતા શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓનો આનંદ કિલ્લોલ ગુંજી ઉઠયા હતા.
ગુજરાત રાજ્યમાં અંદાજે ૫૪ હજારથી વધુ શાળાઓમાં ૩૫ દિવસનું વેકેશન પૂર્ણ થયા બાદ આજથી ઉત્તરોતર વર્ગમાં વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સત્રનો શુભારંભ કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ᅠશૈક્ષણિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે.
આજથી શરૂ થનાર શાળાઓના નવા શૈક્ષણિક સત્રમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લી ઘડીએ વાલી અને વિદ્યાર્થીઓ પુસ્તકો - નોટબુક - સ્કુલ બેગ - સ્કુલ ડ્રેસ - સ્ટેશનરી ખરીદવા ભારે ભીડ જોવા મળી હતી.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ગત તા.૬ મેથી ૯મી જૂન સુધી ઉનાળાનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ઉનાળાના વેકેશન માટેનો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો હતો. જોકે, મોટાભાગની સ્કૂલોના શિક્ષકો લોકસભાની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાથી વેકેશન સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એકેડેમિક કેલેન્ડર પ્રમાણે વેકેશન સ્થગિત કરીને શાળા અને કોલેજોમાં એક સાથે ૯મી મે એટલે કે ચૂંટણી પૂરી થયા બાદ વેકેશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં અંદાજે ૪૩ હજારથી વધારે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ અને ૧૧ હજારથી વધારે સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ સ્કૂલો મળીને ૫૪ હજારથી વધુ સ્કલોમાં ગત તા.૮મી મેથી ૧૨મી જૂન સુધી ઉનાળનું ૩૫ દિવસનું વેકેશન આપવામાં આવ્યું હતું. જેના કારણે હવે ᅠ૧૩મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે. હાલમાં અમદાવાદ શહેર સહિત રાજયના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. વરસાર કયારે આવશે તે નક્કી નથી.
જોકે, કોલેજોમાં આગામી ૨૩મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભની સાથે ૩૦થી વધુ નિવાસી શાળાઓ શરૂ થતાં નિવાસી શાળાઓની સંખ્યા ૫૦ સુધી પહોંચશે. આ સ્કૂલોમાં અંદાજે ૨૦ હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ ફાળવવામાં આવશે. આ ઉપરાંત નમો લક્ષ્મી, નમો સરસ્વતી સ્કીમ અંતર્ગત પ્રથમ વખત ૧૨ લાખથી વધારે વિદ્યાર્થીઓને રૂ.૧૬૫૦ કરોડની સ્કોલરશીપ આપવામાં આવશે. નવા શૈક્ષણિક વર્ષમાં ધો.૧૧માં ગતવર્ષની સરખામણીમાં અંદાજે દોઢ લાખ જેટલા વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે.(૨૧.૮)
તા. ૨૭ થી ૨૯ જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ
રાજકોટ તા. ૧૩ : દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે આગામી તા. ૨૭ થી ૨૯ જૂન દરમિયાન સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભૂલકાઓને આંગણવાડી અને ધો. ૧માં પ્રવેશ અપાશે. મુખ્યમંત્રી, મંત્રીઓ, આઇએએસ - આઇપીએસ અધિકારીઓ ગામે-ગામ જઇને પ્રવેશપાત્ર બાળકોને વાજતે - ગાજતે શાળા પ્રવેશ કરાવશે. ૬ વર્ષ પૂરા કરનારને જ ધો. ૧માં એડમિશન અપાશે, જેને પૂરા નહીં થયા હોય તેને બાલવાટિકામાં પ્રવેશ અપાશે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
