News of Thursday, 13th June 2024
શાળાઓ શરૂ થતાંની સાથે જ વાલીઓને રૂા. ૩૦૦ થી ૩૨૫ સુધીનો મોંઘવારીનો માર
યુનિફોર્મના રો-મટિરિયલમાં ભાવ વધારો થતાં કિંમતમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો

અમદાવાદ,તા. ૧૩: આગામી દિવસોમાં રાજયની શાળાઓમાં નવા શત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જેના સાથે જ વાલીઓને મોંઘવારીનો માર પડી રહ્યો છે. શાળાએ જતા બાળકોની વિવિધ ચીજ-વસ્તુઓ જેમાં યુનિફોર્મ, સ્કુલ બેગ, સ્ટેશનરી અને પુસ્તકોના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
જેમા મુખ્યત્વે વિવિધ ચીજવસ્તુઓમાં એક વિદ્યાર્થી દીઠ ખર્ચમાં ૧૦ થી ૧૫ ટકાનો ભાવ વધારા હિસાબે વાલીઓને રૂ. ૩૦૦ થી ૫૦૦ ભાવ વધારો ભોગવવો પડશે. ૧૩ જૂનથી શાળામાં નવું સત્ર શરૂ થશે અને તે પહેલાં પુસ્તકો, સ્કુલ બેગ, વોટર બેગથી લઈ યુનિફોર્મ-શુઝ, સ્ટેશનરીની વસ્તુઓના ભાવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારો જોવા મળ્યો છે. જેના અંગે વેપારીઓએ જણાવ્યું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં વધારો થયો છે. જેમાં વિવિધ વસ્તુઓના ભાવ જોવામાં આવે તો સ્કુલ બેગ અને વોટર બેગની કિંમતમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. જેના કારણે કિંમતમાં રૂ. ૩૦ થી ૪૦ વધી ગયા છે. જયારે સ્કુલના નોટબુક અને અન્ય સ્ટેશનરીની વાત કરવામાં આવે તો તેમાં ૮ થી ૧૦ ટકાનો ભાવ વધારો થયો છે, જેના કારણે કિંમતમાં રૂ. ૪૫ થી ૬૦ સુધીનો વધારો જોવા મળ્યો છે.
આ સાથે જ બાળકોની ઉંમર સાથે વધતાં સ્કુલ શુઝના ભાવ અંગે વેપારીએ જણાવ્યું કે તેમાં ૫ થી ૭ ટકાસુધીનો વધારો થયો છે, જેના કારણે રૂ. ૨૦ થી ૩૦ નું વાલીઓ પર ભારણ પડશે. તેમજ બાળકોના યુનિફોર્મની વાત કરવામાં આવે તો કાપડ અને વિવિધ રો-મટીરયલની કિંમતમાં ભાવ વધવાના કારણે યુનિફોર્મની કિંમતોમાં પણ ૧૫ થી ૨૦ ટકાનો ઉછાળો આવતાં કિંમતો પર રૂ. ૧૫૦ થી ૨૦૦ સુધીનો વધારો થયો છે. જો તેનો હિસાબ જોવામાં આવે તો એક વિદ્યાર્થી પર વાલીઓને રૂ. ૨૭૦ થી ૩૦૦ નો વધારો સહન કરવો પડશે.
જયારે વિવિધ ધોરણમાં અલગ અલગ લિસ્ટ પ્રમાણે ભાવ વધારો પણ વધુ ઝિંકવામાં આવ્યો છે, જેમાં ઉંમર અને ધોરણ અનુસાર, રૂ. ૩૦૦ થી ૫૦૦ સુધીનો વધારો વાલીઓને માથે આવી રહ્યો છે. એક તરફ ઘણી ખાનગી શાળાઓ દ્વારા યુનિફોર્મ-શુઝ, સ્ટેશનરીની વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે તેના ભાવ અંગે કોઈ ફરિયાદ પણ વાલીઓ દ્વારા થઈ શકે તેમ નથી. જયારે બીજી તરફ બજારમાં સતત ભાવ વધારાના કારણે વાલીઓને નવા સત્રની શરૂઆતમાં જ મોંઘવારીનો માર સહન કરવો પડશે. તેમજ વર્ષ દરમિયાન પણ સ્ટેશનરીનો ખર્ચ વાલીઓને માથે પડતો જ રહેશે.

(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
