<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

સાગબારા ડેડીયાપાડા તાલુકાના જંગલોમાંથી લાકડા ચોર વિરપ્પનો જંગલોનો સફાયો કરી રહ્યા છે:વન વિભાગના અધિકારીઓના આંખ આડા કાન કરતા હોવાની બૂમ

રોજબરોજના સંખ્યાબંધ વાહનોમાં ગેરકાયદેસર રીતે જંગલોમાંથી લાકડાઓ કાપીને મહારાષ્ટ્ર રાજ્યમાં થઇ રહ્યા છે સપ્લાય :ખેરના લાકડા કાથો બનાવવા માટે વપરાતા હોવાથી તેની માંગ વધુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં આવેલા બે તાલુકાઓ ડેડીયાપાડા અને સાગબારા માં મોટા પ્રમાણમાં સાગ,શીશમ, ખેર સહિતના વૃક્ષોનું મહાકાય જંગલ નષ્ટતાના આરે આવીને ઉભું છે. આ જંગલો હવે લાકડા ચોર વિરપપ્નો ના હવાલે હોય તેમ લાગી રહ્યું છે કારણ કે અહીં વન વિભાગના અધિકારીઓ ની પીપુડી વાગતી જ નથી અને ધોળે દહાડે જંગલોનો વિનાશ થઈ રહયો છે.
સાગબારાના દેવમોગરા અને હલગામ પાડી ના જંગલો  અને ડેડીયાપાડા તાલુકાના જંગલો સહિત સુરત જિલ્લાના ઉમરપાડા અને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા વિસ્તારોમાં આવેલા જંગલોમાંથી છેલ્લા કેટલાક વર્ષોથી જંગલ ચોર વિરપ્પનો દ્વારા જંગલોમાં આવેલા મહાકાય વૃક્ષો કાપીને મહારાષ્ટ્ર રાજ્યના જુદા જુદા શહેરોમાં સપ્લાય કરવાનું નેટવર્ક ચાલી રહ્યું છે જેમાં વન વિભાગના કેટલાક કર્મચારીઓની સંડોવણી વિના આ આખું ષડયંત્ર શક્ય જ નથી,  તેમ છતાં વન વિભાગના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે કે પછી વહેતી ગંગામાં પોતે પણ હાથ ધોઈ રહ્યા છે?  તે સમજાતું નથી.એક સમય હતો સાગબારાના ગાઢ જંગલોમાં ધોળે દિવસે પણ પ્રવેશતા બીક લાગતી હતી પરંતુ આજે ચારે તરફથી જંગલોનો વિનાશ કરવામાં આવતા જંગલો બોડા (ટકલા) ભાસી રહ્યાં છે જેના કારણે જંગલી પ્રાણીઓ પણ પાણી અને ખોરાકની શોધમાં માનવ વસ્તીઓ તરફ આવી જતા હોય છે.

તેવી જ રીતે ડેડીયાપાડા અને ઉમરપાડા સહિત સોનગઢના બોરદા વિસ્તારના જંગલોમાંથી પણ મોટાપાયે મહાકાય સાગ, શીશમ સહિત ખેરના વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. ખેરના લાકડાનો ઉપયોગ કાથો બનાવવામાં કરવામાં આવતો હોય અહીંના ખેરના લાકડાની ભારે ડિમાન્ડ છે.જેના કારણે જંગલચોર વિરપ્પનો આ વિસ્તારમાં આવેલા જંગલોનો સફાયો ખુબજ સાવચેતી પૂર્વક કરી રહ્યા છે જેમાં કહેવાય છે કે કેટલાક વન કર્મચારીઓની પણ તેમાં સંડોવણી છે.જેથી જ આ આખું ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યું છે અને અધિકારીઓ પણ તેને નજરઅંદાજ કરી રહ્યા છે કે પછી વહેતી ગંગામાં પોતે પણ હાથ ધોઈ રહ્યા છે એ સમજાતું નથી ?

આ આખા સડયંત્ર બાબતે ઉચ્ચ અધિકારીઓને કોઈ શંકા ન જાય તે માટે બે ચાર મહિના માં એકાદ વાર ઓછી માત્રામાં લાકડાનો જથ્થો ઝડપી વાહવાહી મેળવી લેવામાં આવી રહી છે. જેમાં ક્યારેય લાકડા ચોર વિરપ્પનો ઝડપાતા નથી .ઝડપાય તો છે માત્ર લાકડાનો જથ્થો અને જે વાહનો ઝાડપાય છે તે પણ ભંગાર હાલતના હોય છે. જેથી વિરપ્પનોને મોટું નુકસાન થતું નથી.દેવમોગરા અને હલગામ પાડી વિસ્તારોમાં જંગલો માંથી લાકડાઓ કપાય અને બહાર પગ ઘર કરી જાય અને વન વિભાગના અધિકારીઓ તેનાથી અજાણ હોય તે કઈ રીતે માની શકાય ?

આ બાબતે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા વન વિભાગના અધિકારીઓને લેખિત ફરિયાદો કરવા છતાં કોઈજ પગલાં લેવામાં ન આવે તો શું સમજવું ? એક ચાલતી ચર્ચા મુજબ કેટલાક કર્મચારીઓ આવા વાહનો પસાર કરવા માટે મોટી રકમ વસુલતા હોવાની વાતો થઈ રહી છે ત્યારે આવા કર્મચારીઓની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે. આવા કર્મચારીઓની આવક સાથે તેમના માલ મિલકત ની પણ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
શુ વન વિભાગના અધિકારીઓ આ બાબતે યોગ્ય રીતે તપાસ કરશે ખરા ? કે પછી આવનારી પેઢી અહીંના જંગલો વિશે માત્ર પુસ્તકોમાં જ વંચાશે.

(10:44 PM IST)