<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

૫૦ લાખ તો શું ૫૦ રૂપિયા આપ્‍યા વગર અપહૃત રાહુલ પટેલનો છૂટકારો આ રીતે થયો

અમદાવાદની આંગડિયા પેઢીની ચેન્‍નાઇ બ્રાન્‍ચના સ્‍ટાફના અપહરણના ચકચારી મામલો : ક્રાઇમ બ્રાન્‍ચ દેવદૂત પુરવાર : અમદાવાદ સીપીની પ્રજાલક્ષી નીતિનો ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાંજીયાનના નેતૃત્‍વમાં એસીપી ભરત પટેલ ટીમની જહેમત ફળી

રાજકોટ તા. ૧૪ : અમદાવાદમાં આંગડિયા પેઢી ધરાવતા માલિકની ચેન્નઇ ખાતે આવેલ બ્રાન્‍ચના કર્મચારી રાહુલ પટેલનું  ઞઈ કાલે અપહરણ થયું , અને આ કર્મચારીને છોડવા માટે ૫૦ લાખની ખંડણી માંગવાના ચકચારી મામલામાં પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકની લોકોને મદદરૂપ થવાની સતત અપાતી શીખ મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા સત્‍વરે ચેન્નઇ પોલિસને ટેકનિકલ સર્વેલન્‍સ આધારે તમામ માહિતી એકઠી કરી ઝડપથી પૂરી પાડતા ચેન્‍નાઇ પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરી ખૂબ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી જેનું અપહરણ થયેલ તેવા રાહુલ પટેલને હેમખેમ છોડાવતા અમદાવાદ પોલીસની આબરૂને ચાર ચાંદ લાગી ગયા છે.  

 અમદાવાદ સ્‍થિત આ આંગડિયા પેઢીના જણાવ્‍યા મુજબ અમારી ચેન્નઇ બ્રાન્‍ચના સ્‍ટાફનું અપહરણ કરી ૫૦ લાખની ખંડણી માંગવામાં આવ્‍યાની ઘટના બાદ મનોમંથન અંતે તુરંત ક્રાઇમ બ્રાન્‍ચ ઓફિસ પહોંચી ગયા, અહી ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલનો કોન્‍ટેક્‍ટ કરવામાં આવતા તેઓ દ્વારા તુરંત ડીસીપી ક્રાઇમ અજિત રાજીયાનને આ બાબતે પ્રાથમિક ચર્ચા કરી જવાબદારી સુપ્રત કરેલ.                                 

ડીસીપી અજીત રાંજિયાંન દ્વારા તુરંત તમામ માહિતી એકઠી કરી કર્મચારીના ફોન નંબર વિગેરે ચેક કરવા સાથે વિવિધ ટીમોને એસીપી ભરત પટેલના નેતૃત્‍વમાં કામે લગાડી દીધી.                  

આ દરમિયાન સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકને પણ જાણ કરતા તેવો દ્વારા પણ વિશેષ કોઈ મદદની જરૂર હોય તો તે માટે પોતાને તાત્‍કાલિક ફોન કરી સહકાર સાથે સંકલન સાધવા માર્ગદર્શન આપેલ.                    

પરફેક્‍ટ અને નાનામાં નાની માહિતી મળી જતા ચેન્‍નઇ પોલીસનું કામ આસાન થયેલ અને અમદાવાદની આંગડિયા પેઢીના સ્‍ટાફના રાહુલ પટેલ સહી સલામત છુટકારો થવા સાથે ખંડણીની ૫૦ લાખ તો શું કોઈ રકમ આપ્‍યા વગર કાર્ય પૂર્ણ થતાં આંગડિયા પેઢી તથા અપહરણ થયેલ સ્‍ટાફ ક્રાઇમ બ્રાન્‍ચના ઋણી બન્‍યા હતા.

(1:55 PM IST)