News of Friday, 14th June 2024
ધો. ૯ અને ૧૧માં નાપાસ છાત્રોની પુનઃ પરીક્ષા લેવા શિક્ષણ બોર્ડનો નિર્ણય
૨૯ જૂન સુધીમાં રી-ટેસ્ટ યોજવા તાકીદ હજારો છાત્રોને મળશે લાભ

અમદાવાદ તા. ૧૪ : અત્યાર સુધી નાપાસ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા એક વર્ષ રાહ જોવા પડતી પરંતુ શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૯ અને ધો. ૧૧માં નાપાસ છાત્રોની રી-ટેસ્ટ યોજવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૫ દિવસમાં રી-ટેસ્ટ યોજવાની તાકીદ પણ કરવામાં આવી છે.
રાજયમાં ધોરણ-૯ અને ૧૧માં નાપાસ વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવાનો શિક્ષણ બોર્ડે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ધોરણ-૯ અને ૧૧માં અત્યાર સુધી રિ-ટેસ્ટની જોગવાઈ ન હોવાથી નાપાસ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા માટે એક વર્ષ રાહ જોવી પડતી હતી, પરંતુ અનેક રજૂઆતો મળ્યા બાદ શિક્ષણ બોર્ડે ધોરણ-૯ અને ૧૧માં રિ-ટેસ્ટ લેવાની જોગવાઈ અમલમાં મૂકી છે. આ જોગવાઈનો અમલ પણ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી કરવાનું નક્કી કરાયું છે. ધોરણ-૯ અને ૧૧માં નાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા સ્કૂલોએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થયાના ૧૫ દિવસમાં લેવાની રહેશે. ચાલુ વર્ષે આ પરીક્ષા ૨૯ જૂન સુધીમાં લેવા માટે શાળાઓને સૂચના અપાઈ છે. પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.ᅠ
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ અને ધોરણ-૧૧ના વર્ગ બઢતીના સુધારેલા નિયમોની જોગવાઈ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી લાગુ કરેલી હોઈ ધોરણ-૯ અને ધોરણ- ૧૧ની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં નાપાસ ᅠવિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા શાળા કક્ષાએ ૨૯ જૂન સુધીમાં લઈ તેના પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગ બઢતી આપવાની રહેશે. આમ, રાજયમાં લાંબા સમયથી ધોરણ-૯ અને ૧૧ના રિ-ટેસ્ટ માટેની માગને હવે શિક્ષણ બોર્ડ દ્વારા મંજૂરીની મહોર મારતા નાપાસ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે ફરી પાસ થવાની એક તક મળી રહેશે. ચાલુ વર્ષે ધોરણ-૯ અને ૧૧માં નાપાસ હજારો વિદ્યાર્થીઓને આ નિર્ણયથી લાભ થશે અને તેઓ પરીક્ષા આપી પોતાનું વર્ષ બચાવી શકશે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
