<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

મેનેજમેન્‍ટની તાનાશાહી : બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા શાંતિપૂર્ણ શકિત પ્રદર્શન -સુત્રોચાર

તાત્‍કાલિક રાજયની બહાર બદલી થતા ઓફિસરો રોષે ભરાયા : સ્‍ટાફની અછત હોવા છતાં રાજકોટ ઝોનમાંથી એક સાથે ૩૦૦ કર્મીઓની ટ્રાન્‍સફર

રાજકોટ, તા. ૧૪ : બેંક ઓફ બરોડામાં મેનેજમેન્‍ટની તાનાશાહી સામે હવે તેમના જ અધિકારીઓએ મોરચો માંડયો છે. જેમાં રાજકોટ સહિત ગુજરાતના જુદા-જુદા ઝોનમાંથી અનેક ઓફિસરોની તાત્‍કાલિક રાજ્‍યની બહાર બદલી કરતા રોષે ભરાયેલા અધિકારીઓ હાલ શાંતિપૂર્ણ શકિત પ્રદર્શન કરી વિરોધ દર્શાવી રહયાં છે. ઓલ ઇન્‍ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસીએશનના બધા અધિકારી મિત્રોએ ઉચ્‍ચ પ્રબંધનની સામે સંઘર્ષનો રસ્‍તો અપનાવ્‍યો છે. અહીના ઝોનલ સેક્રેટરી મહેન્‍દ્ર પોપટે જણાવ્‍યું હતું કે, કંપનીનાં મેનેજમેન્‍ટ દ્વારા કોઈપણ કારણ વગર અધિકારીઓની બદલી કરવાથી રોષની લાગણી અનુભવે છે. આવા પગલા લેવાથી જે તે જગ્‍યાના અધિકારીઓ પરેશાન થશે તેમજ સ્‍થાનિક ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડશે. આના સિવાય પૂરતો સ્‍ટાફ આપવો, બીજા રાજયોમાંથી આવેલા ભાઈઓ તથા બહેનોને સમય થતા પોતાના ઘરે પોસ્‍ટિંગ આપવું, ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરમાં સુધારો કરવો, ગ્રાહક મિત્રોને સ્‍ટાફ કમી હોવાથી હાલાકી ભોગવવી પડે છે વગેરે મુદાઓ તેમજ ઉચ્‍ચ મેનેજમેન્‍ટના તાનાશાહી રૂખનું ખંડન કરવા અધિકારી મિત્રોએ ઉચ્‍ચ પ્રબંધક સામે મોરચો માંડી રહયાં છે. રાજકોટમાં વર્ષોથી ફરજ બજાવતા ઓફિસરોની એકાએક મુંબઈ, પૂના, જયપૂર સહિતના બહારના રાજયોમાં બદલી કરવામાં આવી હતી. રાજકોટ ઝોનમાં કચ્‍છ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, સુરેન્‍દ્રનગર અને રાજકોટનો સમાવેશ થાય છે. આ તમામ શહેરોમાં બેંક ઓફ બરોડાના ૩૦૦ જેટલા અધિકારીઓની અચાનક આઉટ ઓફ સ્‍ટેટ ટ્રાન્‍સફર કરાતા દરેક બ્રાન્‍ચ પર અધિકારીઓ એકઠા થઇ સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્‍યો હતો.

(4:46 PM IST)