<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

પાંચ ગુજરાતીઓએ માઉન્ટ યુનમ શિખરને અંતે સર કર્યું

ડ્રગ્સ કેમ્પેઈનને પ્રમોટ કરવા તેઓનું યોગદાનઃ૨૦૦૫૦ ફૂટ ઉંચા શિખરને સર કરી ગુજરાતનું નામ રોશન કર્યું

વડોદરા, તા.૧૪

યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સ સામેના નો ડ્રગ્સ કેમ્પેઈનને પ્રમોટ કરવા માટે વડોદરાના એક સહિત પાંચ ગુજરાતીઓએ હિમાચલ પ્રદેશ અને લદ્દાખની વચ્ચે આવેલા ૬૧૧૧ મીટર એટલે કે ૨૦૦૫૦ ફૂટ ઉંચા માઉન્ટ યુનમ શિખરને સર કર્યુ છે.જેમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફજ બજાવતા ડોકટર સોહિલ મુસલાનો પણ સમાવેશ થાય છે.

માઉન્ટ  યુનમ શિખરનુ ચઢાણ તેના પથરિલા લેન્ડસ્કેપ, અચાનક જ નીચે જતા રહેતા તાપમાન અને વિકટ સંજોગોના કારણે પર્વતારોહીઓ માટે એમ પણ પડકાર જનક મનાય છે.તેની ઉંચાઈ પણ ખાસી હોવાથી ઓક્સિજનનુ પ્રમાણ ઓછુ રહે છે અને રાતે તાપમાનનો પારો માઈનસ ૨૦ ડિગ્રી સુધી ગગડી જતો હોય છે.આમ છતા પાંચ ગુજરાતીઓ આ શિખર પર તિરંગો ફરકાવવામાં સફળ  થયા છે.

ડો.સોહિલે કહ્યુ હતુ કે, આમ તો અમારી ટીમમાં ૧૩ લોકો હતા.જેમાં અમે પાંચ સભ્યો ગુજરાતના અને બાકીના રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના હતા.સાથે મનાલીના ત્રણ પ્રશિક્ષકો પણ જોડાયા હતા.આ શિખર સર કરવાનો હેતુ ડ્રગ્સ સામેના અભિયાનને પ્રમોટ કરવાનો હતો અને આ અભિયાન અમદાવાદની એનજીઓએ શરુ કર્યુ છે.જે ટ્રેકિંગ અને પર્વતારોહણને પણ પ્રોત્સાહન આપે છે. માઉન્ટ યુનમ સર કરવામાં સોહિલની સાથે સાથે અમદાવાદના અને સુરતના જયપાલસિંહ ભાટી, ધુ્રવન ધારાણી, ગૌરાંગ પુરોહિત અને ધુ્રવલ ડાભીનો સમાવેશ થતો હતો. ૧૩ સભ્યોએ ચઢાઈ શરુ કરી હતી પણ હિમવર્ષા, ખડકો, ચઢાણની વચ્ચે આવતી કરાડો અને કાતિલ ઠંડી જેવી મુશ્કેલીઓના કારણે પાંચ ગુજરાતીઓને બાદ કરતા બીજા આઠ સાહસિકો અધવચ્ચેથી પરત ફર્યા હતા. ડો.સોહિલ કહે છે કે, ચઢાણ દરમિયાન પથ્થરો, ભેખરો પડવાનો તેમજ ભૂસ્ખલનનો ભય પણ રહેતો હોય છે.ટીમના એક સભ્યને આવો જ એક પથ્થર વાગતા ઘૂંટણમાં ફ્રેકર થયુ હતુ અને ઈમરજન્સીમાં તેમને ગુજરાત પરત ફરવુ પડયુ હતુ.બીજા ત્રણ વ્યક્તિઓને એલ્ટિટયુડ માઉન્ટેન સિકનેસના કારણે મનાલીની હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.છેવટે અમે પાંચ ગુજરાતીઓ જ બચ્યા હતા અને સાત દિવસના કઠિન આરોહણ બાદ ૧૧ જૂને સવારે આઠ વાગ્યે અમે માઉન્ટ યુનમના શિખર પર તિરંગો ફરકાવ્યો હતો. માઉન્ટ યુનમ પર આરોહણ  કરતા પહેલા ૧૩ સભ્યોની ટીમને બે મહિનાની આકરી તાલીમ લેવી પડી હતી.જેમાં રોજ પાંચ કિલોમીટરના રનિંગ, સામાન સાથે ચઢ-ઉતરની પ્રેક્ટિસ, યોગ અને પ્રાણાયામનો સમાવેશ થતો હતો.એ પછી  શિખર સર કરનારી ટીમને પસંદ કરવામાં આવી હતી.ટીમના સભ્ય અને વડોદરાના ડો.સોહિલ ૨૦૨૨માં માઉન્ટ ફ્રેન્ડશિપ નામનુ ૧૭૩૫૦ ફૂટ ઉંચુ શિખર સર કરી ચુકયા છે. તેઓ નેશનલ સાઈકલિસ્ટ પણ છે.

(7:36 PM IST)