News of Friday, 14th June 2024
પાટણ જિલ્લાની શાળાઓનો સમય ૩૦મી જૂન સુધી સવારનો કરાયો
ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયોઃગરમીને લઈ સમય સવારે ૭-૦૦થી ૧૨ -૩૦ સુધી શિક્ષણ કાર્ય થશે

પાટણ,તા.૧૪
૩૫ દિવસના ઉનાળુ વેકેશન બાદ ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી.
પ્રથમ દિવસે પ્રવેશ મેળવતા બાળકોને કુમકુમ તિલક અને પુષ્પોથી શિક્ષકોએ આવકાર્યા હતા. પ્રથમ દિવસ હોવાના કારણે જિલ્લામાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હતી. જિલ્લાની ૭૯૨ પ્રાથમિક અને ૨૫૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ઉનાળાની ગરમીને લઈ તા.૩૦ જૂન સુધી શાળાનો સમય સવારે ૭-૦૦થી ૧૨ -૩૦ કલાકનો રહેશે. આગામી ૨૭થી ૨૯ જૂન પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.ઉનાળું વેકેશન બાદ ગુરુવારથી શહેર અને જિલ્લાની બાલવાડી સહિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ મધ્યમિક શાળાઓ બાળકોના કિલ્લોલથી જીવંત બની હતી. મોટા બાળકો તો ઠીક પણ પ્રથમવાર નર્સરી અને કેજી (બાલવાડી)માં પ્રવેશ મેળવતા ભૂલકાંઓ રૃદન સાથે વાલીનો પીછો ન છોડતાં કલાકો સુધી સમજાવવા પડ્યા હતાં. કેટલાક બાળકો છેવટે માયુસ ચહેરે વર્ગખંડમાં બેસી ગયાં હતાં. શિક્ષિકાઓને પણ રડતાં બાળકોને સાચવવા મથામણ કરવી પડી હતી. બીજી તરફ વેકેશન બાદ ફરીથી શાળામાં આવેલા કેટલાંક ભૂલકાં હર્ષોલ્લાસ સાથે અન્ય મિત્રોને મળતાં અને વેકેશનમાં માણેલી મજા શેર કરતાં પણ જોવા મળ્યાં હતાં. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી આચાર્ય દ્વારા સ્કૂલને લગતી સૂચના અપાઈ હતી.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
