News of Saturday, 15th June 2024
ગુજરાતના 20 તાલુકામાં વરસાદ :ડાંગમાં ધોધમાર વરસાદ : ખાપરી નદીમાં ઘોડાપૂર : પાલિતાણામાં સવા ઈંચ ખાબક્યો
સાપુતારા, વઘઈ અને આહવા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો: ધાંગધ્રા, વઢવાણ, મોરબીના વાંકાનેર અને રાજકોટ તાલુકામાં 8 મિમી વરસાદ વરસ્યો

અમદાવાદ :રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધભાગોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી દરમિયાન રાજ્યના 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના ભાવનગર અને ડાંગ જિલ્લામાં ખાબક્યો છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આજે વહેલી સવારથી બફારા બાદ બપોરે 2 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. 2 થી 6 વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન પાલિતાણામાં સવા ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો.
ત ડાંગ જિલ્લાના સાપુતારા, વઘઈ અને આહવા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ડાંગ જિલ્લામાં પણ બપોરે 2 વાગ્યા પછી આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. જેના કારણે વાહન ચાલકોને ધોળા દિવસે પોતાના વાહનની હેડલાઈટ ચાલુ રાખીને ડ્રાઈવ કરવાની ફરજ પડી હતી.
ડાંગના આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યાં ધોધમાર વરસાદ તૂટી પડતા ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. ખાપરી નદી બે કાંઠે વહેવા લાગી હતી. જેના કારણે કેચમેન્ટ વિસ્તારમાં આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેથી થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ રાખવાની નોબત આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા, વઢવાણ, મોરબીના વાંકાનેર અને રાજકોટ તાલુકામાં 8 મિમી વરસાદ વરસ્યો હતો. જ્યારે અમદાવાદના ધંધુકા અને સુરત શહેરમાં 7 મિમી વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં આજે સતત બીજા દિવસે શહેરમાં દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાતે 8 વાગ્યાની આસપાસ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એસ.જી હાઈવે, વસ્ત્રાપુર, શ્યામલ, આનંદનગર, બોડકદેવ, વસ્ત્રાપુર, વેજલપુર, રાણીપ, ઘાટલોડિયા, સેટેલાઈટ, બોપલ અને શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
