તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
રાજકોટ આગકાંડ: SITને ગાંઠતા નથી તેવા અધિકારીઓને હવે સીધાદોર કરાશે :સરકાર મોટી કાર્યવાહીની તૈયારીમાં
રાજકોટની ટીઆરપી ગેમિંગ દુર્ઘટનામાં વધુ એક કમિટી બનાવવાનો હાઇકોર્ટે આદેશ કર્યા પછી નવી કમિટી માટે સચિવાલયમાં ધમધમાટ શરુ :એક બે દિવસમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર નવી કમિટીની જાહેરાત કરશે.

ગાંધીનગર: રાજકોટની ટીઆરપી ગેમિંગ દુર્ઘટનામાં વધુ એક કમિટી બનાવવાનો હાઇકોર્ટે આદેશ કર્યા પછી નવી કમિટી માટે સચિવાલયમાં ધમધમાટ શરુ થયો છે. એક બે દિવસમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર નવી કમિટીની જાહેરાત કરશે.
આ કમિટી ઉચ્ચ અધિકારીઓની તપાસ કરશે. આગામી રવિવાર સુધીમાં રાજ્ય સરકાર આ કમિટીની જાહેરાત કરી શકે છે. સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ રચાયેલી સીટને ઉચ્ચ અધિકારીઓ દાદ આપી રહ્યા નથી. પૂછપરછ માટે સમન્સ હોવા છતાં જુનિયર અધિકારી સામે ઉચ્ચ અધિકારી હાજર થઇ રહ્યા નથી. નવી કમિટીમાં ડીજીપી વિકાસ સહાયથી લઇને અન્ય ઉચ્ચ આઇએએસ અધિકારીઓનો સમાવેશ થઇ શકે છે. અંદાજિત પાંચથી સાત સભ્યોની નવી કમિટી હશે
હાલ એસઆઇટીની તપાસ ચાલી રહી છે. જેનો રિપોર્ટ 20મી જૂને સરકારને મળવાનો છે. આ તપાસ પણ ચાલુ રહેશે. આ સાથે જ ત્રીજી તપાસ રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં ધરપકડો થઇ છે. તે તપાસ પણ ચાલુ છે.
ગેમઝોનને લાયસન્સ આપવાની પોલીસ કમિશનર કચેરીની ફાઇલ ગુમ છે, જેને સીટના અધિકારીઓ શોધી રહ્યાં છે, પરંતુ મળતી નથી. તેથી કમિશનરેટના જવાબદાર અધિકારી સામે પગલાં લેવા પણ સરકારે સૂચના આપી છે.
અદાલતના આદેશમાં ફેક્ટ ફાઇન્ડિંગ ઇન્કવાયરીનો ઉલ્લેખ છે, તેથી શહેરી વિકાસ વિભાગની કમિટીમાં દુર્ઘટના સાથે સંકળાયેલી તમામ બાબતોને આવરી લેવાશે. આ રિપોર્ટ 15 દિવસમાં અદાલતમાં રજૂ કરવાનો છે. હાઇ લેવલ કમિટી સીટની તપાસને સમાંતર તપાસ કરી જવાબદારો સામે ખાતાકીય તપાસ અને પગલાં સૂચવશે. સમન્સ આપવા છતાં સીટ સમક્ષ નહીં જતાં અધિકારીઓને જવા માટે પણ તાકીદ કરાશે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
