<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

મોરબી, પોરબંદર, સુરેન્‍દ્રનગર વગેરેને મહાનગરનો દરજ્‍જો આપવા હદ વધારાશે

રાજ્‍ય સરકારે કલેકટરો પાસે દરખાસ્‍ત મંગાવી : રાજ્‍યમાં કુલ ૧૭ મ્‍યુનિસિપલ કોર્પોરેશન થશે હદ વધ્‍યા પછી નવુ સીમાંકન : મહાનગરપાલિકાની સત્તાવાર જાહેરાત બાદ નવી ચૂંટણી સુધી વહીવટદાર શાસન મૂકાશે

રાજકોટ તા. ૧૭ : રાજ્‍ય સરકારે લોકસભાની ચૂંટણી પહેલા જાહેર કર્યા મુજબ ગુજરાતમાં ૯ નગરોનું મહાનગરોમાં રૂપાંતર થશે. હાલની નગરપાલિકાના સ્‍થાને મહાનગરપાલિકા બનશે. વર્તમાન ૮ અને નવા ૯ સહિત ગુજરાતમાં કુલ ૧૭ મ્‍યુનિસિપલ કોર્પોરેશન અસ્‍તિત્‍વમાં આવશે. સામાન્‍ય રીતે ૩ લાખ આસપાસ કે તેથી વધુ વસતી ધરાવતા નગરો મહાનગરમાં રૂપાંતરિત થવા પાત્ર હોય છે. નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવા માટે વસ્‍તી સિવાઇની કેટલીક બાબતો પણ ધ્‍યાને લેવાતી હોય છે. સરકારે નવા કરવા ધારેલા મહાનગરોને અનુરૂપ હદ વધારાની દરખાસ્‍ત સહિતની માહિતી સબંધિત કલેકટરો પાસેથી મંગાવી છે. કોઇ ગ્રામ પંચાયતને મહાનગરમાં જોડવાની હોય તો પંચાયતનો ઠરાવ જરૂરી છે.

સરકારે જે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્‍જો આપવાનું જાહેર કર્યું છે તેમાં સુરેન્‍દ્રનગર - વઢવાણ, પોરબંદર - છાંયા, મોરબી, ગાંધીધામ (કચ્‍છ), આણંદ, મહેસાણા, નડીયાદ, વાપી અને નવસારીનો સમાવેશ થાય છે. આ બધા નગરોને મહાનગરનો દરજ્‍જો આપતા પૂર્વની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. હદ વધારાના  પગલે નવુ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી થશે. સરકાર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરતુ જાહેરનામુ પ્રસિધ્‍ધ કરે પછી વર્તમાન ચૂંટાયેલી પાંખના સ્‍થાને નવી ચૂંટણી સુધી વહીવટદાર શાસન આવશે. વહીવટદાર શાસન હેઠળ જ મહાનગરોની સામાન્‍ય ચૂંટણી થશે. કોર્પોરેશનની ચૂંટણી પછી મેયર, કમિશનર, સ્‍ટેન્‍ડીંગ કમિટિ વગેરે વ્‍યવસ્‍થા અમલમાં આવશે

(12:24 PM IST)