<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

રાજ્‍યમાં ૮૦ હજારથી વધુ રીક્ષા - સ્‍કૂલ વાનચાલકોની બેમૂદત હડતાલ

પરમીટ ન મળે ત્‍યાં સુધી હડતાલ ચાલૂ રાખશે : ગાંધીનગરમાં આ મુદ્દે સરકારની મહત્‍વની મીટીંગ ચાલુ : વાલીઓનું શિડયુલ ખોરવાયુ : બાળકના સેફટી માટેના તમામ નિયમો જરૂરી : પરંતુ સરકારે વેકેશનના બે મહિના દરમિયાન કેમ કાંઇ ન ઉકાળ્‍યુ : વડોદરામાં હડતાલનો ફિયાસ્‍કો રાબેતા મુજબ સ્‍કુલવાન દોડી : સુરતમાં હડતાલને કારણે વાલીઓમાં પ્રચંડ રોષ : વરસતા વરસાદે બાળકોને સ્‍કૂલે પહોંચાડયા

રાજકોટ તા. ૧૮ : આજથી રાજ્‍યના ૮૦ હજારથી વધુ રિક્ષા-સ્‍કૂલવાન ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્‍કૂલવાન ચાલકો અને સ્‍કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. પરમીટ ન મળે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્‍ચારી છે.

આજે વહેલી સવારથી વાલીઓ પોતાના સંતાનોને સ્‍કૂલમાં છોડવા જતા નજરે પડ્‍યા હતા. મહત્‍વનું છે કે, રાજકોટ ગેમઝોન આગકાંડ બાદ સ્‍કૂલ વાન અને સ્‍કૂલ રિક્ષા માટે સેફટી સર્ટિફિકેટ અનિવાર્ય રાખવામાં આવ્‍યું છે. RTO કચેરી તેની તપાસ પણ કરી રહી છે. ત્‍યારે એસોસિયેશને નિયમોના પાલન માટે સરકાર પાસે બે થી ત્રણ મહિનાનો સમય માંગ્‍યો હતો. આ સમય ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં આજે સ્‍કૂલ વર્ધી એસોસિએશનની હડતાળ છે. વાહન વ્‍યવહાર કચેરીએ બહાર પાડેલા નિયમોના પાલન માટે સમય ન મળતા વિરોધ દર્શાવાયો છે. અગાઉ એસોસિએશને નિયમોના પાલન માટે સરકાર પાસે બેથી ત્રણ મહિનાનો સમય માંગ્‍યો હતો. રાજકોટની ઘટના બાદ સ્‍કૂલવાન અને સ્‍કૂલ રિક્ષામાં સેફટી સર્ટિફિકેટ અનિવાર્ય કરવામાં આવ્‍યું હતું. આરટીઓ કચેરી દ્વારા સ્‍કૂલ વાન અને સ્‍કૂલ રિક્ષામાં સેફટી સર્ટિફિકેટ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આમ, અમદાવાદ શહેરમાં કુલ ૧૫૦૦૦ કરતા વધુ સ્‍કૂલ વાનના પૈડા આજે થંભી ગયા છે, બીજી બાજુ આ મુદ્દે સરકાર લેવલે ગાંધીનગરમાં હાઇલેવલ મીટીંગ ચાલુ છે, તેના નિર્ણયની રાહ જોવાઇ રહી છે. સ્‍કૂલ વર્ધી એસોસિયેશન ની હડતાલના કારણે વાલીઓને હાલાકી પડી રહી છે. વાલીઓએ જણાવ્‍યું હતું કે, એક તરફ ઓફિસનો સમય છે, અને બીજી તરફ હડતાલના કારણે વાલીઓનું શિડ્‍યુલ ખોરવાયું છે. બાળકના સેફટી માટેના તમામ નિયમો લાગુ કરાવવા જરૂરી છે. નિયમોનું પાલન કરાવવા માટે સરકારે વહેલી જાગવાની જરૂર છે. વેકેશનના બે મહિનાના સમયમાં કેમ નિયમોનું પાલન કરાવવામાં ન આવ્‍યું.ᅠ

વડોદરામાં સ્‍કૂલ વર્ધી એસોસિયેશનની હળતાળનો ફિયાસ્‍કો જોવા મળ્‍યો. વડોદરામાં રાબેતામુજબ સ્‍કૂલ વાન ચાલુ જોવા મળી. સ્‍કૂલ વાનમાં બાળકોને સ્‍કૂલે છોડવામાં આવ્‍યા. જે બતાવે છે કે, વડોદરાના સ્‍કૂલ વાન ચાલકો હડતાળમાં નહીં જોડાયા. RTOના નિયમો નેવે મૂકી સ્‍કૂલ વાન ચાલકો વિધાર્થીઓને વાનમાં બેસાડીને લાવ્‍યા હતા. એક વાનમાં ૧૨ થી ૧૫ વિધાર્થીઓ બેઠેલા જોવા મળ્‍યાં છે. વડોદરાના સ્‍કૂલ વાન ચાલકોએ એક નિવેદનમાં જણાવ્‍યું કે, અમે હડતાળમાં નથી જોડાયા. અમને કોઇ પ્રશ્ન નથી, ફરિયાદ નથી. RTO પરમિટ આપતી નથી એટલે ટેક્‍સી પાર્સિંગ નથી કરાવતાં.

સુરતમાં સ્‍કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાળના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્‍યો. વરસાદ વચ્‍ચે સવારે વાલીઓને બાળકોને શાળાએ મુકવા આવવું પડ્‍યું. તો સાથે જ નોકરી કરતા વાલીઓનું શિડ્‍યુલ હડતાળના કારણે ખોરવાયું છે. તેઓએ વાનના ભાડામાં વધારો થતા મનમાનીનો આરોપ લગાવ્‍યો છે. સુરતમાં પણ ૧૫ હજાર સ્‍કૂલ વાન ચાલકો હડતાળમાં જોડાયા છે. RTO અને ટ્રાફિક પોલીસની હેરાનગતિને કારણે સ્‍કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે.

અમદાવાદમાં ૧૫ હજાર સ્‍કૂલ વેન - સ્‍કૂલ રિક્ષા, માત્ર ૮૦૦ પાસે જ પરમીટ

અમદાવાદ શહેરમાં અંદાજિત ૧૫ હજારથી વધુ રિક્ષા અને વેનમાંથી માત્ર ૮૦૦ લોકો પાસે જ પરમીટ છે. એક વર્ષથી રજૂઆત કરવા છતાં પાસીંગ પ્રક્રિયા ન કરાઇ હોવાનો આક્ષેપ કરાયા છે. તો રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્‍યું હોવાનો એસોસિએશનનો દાવો છે.

હડતાળથી હેરાન થયેલા વાલીઓએ જણાવ્‍યું કે, બાળકોની સેફટીએ પ્રાયોરિટીમાં હોવી જોઈએ. આરટીઓ દ્વારા ચેકિંગ થાય તે યોગ્‍ય જ છે બાળકોને સ્‍કૂલે મૂકવા આવવામાં મુશ્‍કેલી પડી રહી છે પરંતુ બાળકોની સેફટી પણ એટલી જ મહત્‍વની છે. આરટીઓએ ઝડપથી વાહનોનું ચેકિંગ કરી અને તેઓને પરમિટ ઈશ્‍યૂ કરવી જોઈએ.

સ્‍કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્‍દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્‍યું કે, વાલીઓને પડી રહેલી મુશ્‍કેલીથી અમે દિલગીર છીએ. પરંતુ અમે છેલ્લા એક વર્ષથી આરટીઓમાં રજૂઆત કરતા આવ્‍યા છીએ કે અમારા વાહનોને સ્‍કૂલ પરમિટ આપો અને સાથે ફિટનેસ સર્ટિફિકેટ આપો પરંતુ આરટીઓ દ્વારાએ કામગીરી હાથ ધરાઈ નહીં.

હવે જયારે રાજકોટનો અગ્નિકાંડની ઘટના બની છે એટલે અધિકારીઓ દોડતા થયા છે પરંતુ અમારા હજુ ઘણા વાહનોને પરમિટ બાકી છે જે વાહનોને પરમિટ મળી ગઈ છે તેના પણ પેપર આરટીઓમાંથી મળ્‍યા નથીઅમે એ પેપરોની પણ માંગણી કરી હતી છતાં એ પેપર મળ્‍યા નથી.

આરટીઓ વાહન ચેકિંગ કરીને અમારા વાહનો જપ્ત કરવા માંગે છે. અમે આરટીઓ પાસે અમારા વાહનોની પરમિટ ઇસ્‍યુ થાય તે માટે ત્રણ મહિનાનો સમય પણ માંગ્‍યો છે.

(3:08 PM IST)