News of Tuesday, 18th June 2024
દેડીયાપાડાના રાલ્દા ગામે આરસીસી રોડમાં કોન્ટ્રાકટર અને તંત્રની મીલીભગતથી સળિયા જ ગાયબ..!!
શું સ્થાનિક તંત્ર આવા ભ્રષ્ટાચારી પર લગામ લગાવી કાયદેસર કાર્યવાહિ કરશે કે પછી સ્થાનિક તંત્રની પણ સંડોવણી છે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ખુળદી બાદ રાલ્દા ગામે આરસીસી રોડ નાં કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, ખરેખર શું આ જાડી ચામડીનું તંત્ર આંખ આળા કાન કરે છે? વહિવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા આરસીસી રસ્તાના કામમાં સ્પષ્ટ રીતે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા ભ્રષ્ટાચાર કરી અને પોતાના રોટલા શેકી રહ્યા છે.
ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે દેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામડાઓમા આરસીસી રસ્તાના કામોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો છે.
દેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા આરસીસીના રસ્તામાં સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરો ની મિલીભગત થી આરસીસી રસ્તામાં ખુબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. દેડીયાપાડા તાલુકાનું ખુળદી ગામ બાદ હવે દેડીયાપાડા તાલુકા મથક થી અંદાજિત ૬ કિ.મી.નાં અંતરે આવેલ રાલ્દા ગામમાં આરસીસી રસ્તામાં એસ્ટીમેન્ટ પ્રમાણે મટીરીયલ વાપરવું જોઇએ તે પ્રમાણે વાપરવામાં આવતું નથી અને વેઠ ઉતારવામાં આવે છે. આરસીસી રસ્તાના કામમાં એક પણ સળીયો વાપરવામાં આવ્યો નથી, તો આ સળિયા ક્યાં અને કોના ખીસ્સામાં જાય છે..? એ તપાસનો વિષય છે. શું સ્થાનિક તંત્ર આવા ભ્રષ્ટાચારીઓ પર લગામ લગાવીને કાયદેસર કાર્યવાહિ કરશે? કે પછી સ્થાનિક તંત્ર પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે? ડેડીયાપાડા મત વિસ્તારના સાંસદ અને ધારાસભ્ય વિકાસનાં નામે બાખડવાનાં તાયફા કરી રહ્યા છે તેના બદલે વિકાસના કામોમાં ચાલતી લોલમલોલ બાબતે યોગ્ય તપાસ કરી પગલાં લેવાઈ તે જરૂરી છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
