<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

અમદાવાદમાં સ્‍કૂલ વાન-રીક્ષા ચાલકોની હડતાલ યથાવત- વાલીઓ પરેશાનઃ નિયમોનું પાલન કરી હડતાલ પૂરી કરો

નોકરી-ધંધા છોડી બાળકોને સ્‍કૂલે મૂકવા-લેવા જવું પડે છેઃ સ્‍કૂલો ઉપર વાલીઓના ટોળા

રાજકોટ તા. ૧૯: રાજકોટમાં સ્‍કૂલ વાન-રીક્ષા ચાલકોની હડતાલ પૂરી થઇ પરંતુ અમદાવાદમાં બીજા દિવસે હડતાલ સજજડ રહી છે. સ્‍કૂલવાન અને સ્‍કૂલ રિક્ષાની હડતાલનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ હડતાલ યથાવત રહેતા વાલીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે. સવારમાં વાલીઓએ જ પોતાનાં બાળકોને સ્‍કૂલે મૂકવા આવવું પડયું છે. વાલીઓએ કહ્યું કે, નોકરી-ધંધા મૂકીને બાળકોને સ્‍કૂલે લેવા-મૂકવા આવવું પડે છે. જેથી સરકાર અને સ્‍કૂલ વર્ધી એસોસિયેશન વાતચીત કરીને આ અંગે સમાધાન કરી હડતાલ સમેટે તો વાલીઓને રાહત મળશે.

ઓચક્કસ મુદતની

હડતાળની જાહેરાત

આરટીઓ અને ટ્રાફિક પોલીસની સ્‍કૂલવાન અને રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ, પરમિશન સહિતના મુદ્દે ડ્રાઇવ કરવાની જાહેરાતને લઇને સ્‍કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા ગઇકાલથી અચોકકસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. હડતાળ જાહેર થતાં અમદાવાદમાં તમામ સ્‍કૂલોમાં બાળકોને લેવા મૂકવા આવતી સ્‍કૂલવાન અને રિક્ષા બંધ થઇ છે. જેથી વાલીઓએ પોતાનાં બાળકોને સ્‍કૂલે જાતે મૂકવા આવવા માટેની ફરજ પડી છે.

વાલીઓ મુશ્‍કેલીમાં મુકાયા

સવારે ૭ વાગ્‍યાથી સ્‍કૂલો શરૂ થતી હોવાથી વહેલી સવારથી જ સ્‍કૂલની બહાર બાળકોને મુકવા વાલીઓ મોટી સંખ્‍યામાં દેખાયા હતા. બપોરે પણ બાળકો જયારે છૂટે ત્‍યારે વાલીઓએ પોતાનો નોકરી-ધંધાનો સમય બગાડીને બાળકોને લેવા આવવું પડી રહ્યું છે. આ ઉપરાંત કેટલીક સ્‍કૂલનો સમય બપોરનો હોવાની વાલીઓએ બાળકોને બપોરે મૂકવા અને સાંજે પરત લેવા માટે આવવું પડી રહ્યું છે. જેના કારણે વાલીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે. સ્‍કૂલ શરૂ થયાના ચાર દિવસમાં જ હડતાલ થતા વાલીઓ નોકરી-ધંધા છોડીને પોતાનાં બાળકોને સ્‍કૂલેથી લઇ જવાના કામે લાગ્‍યા છે.

ધંધામાં આખો દિવસ બગડે છે

અજય સોની નામના વાલીએ જણાવ્‍યું હતું કે, મારે બે બાળક છે. આ બાળકોનો સ્‍કૂલનો સમય અલગ અલગ છે. જેથી એક બાળકને સવારે મૂકવા આવવું અને બપોરે લેવા જવાનું થાય છે. જયારે બીજા બાળકને બપોરે સ્‍કૂલે મૂકવા જવાનું અને સાંજે લેવા જવાનું થઇ રહ્યું છે. એટલે કે દિવસમાં સ્‍કૂલના ચાર ધકકા બાળકોને લાવવા લઇ જવા માટેના થઇ રહ્યા છે.

અમારી સરકાર અને સ્‍કૂલ વર્ધી એસોસિયેશનને વિનંતી છે કે, બંને પક્ષે વાતચીત કરીને સમાધાન લાવવામાં આવે અને હડતાળ પૂરી કરવામાં આવે.

(3:08 PM IST)