તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
સમર્પિત, પ્રમાણિક, બાહોશ, નીડર, અશ્વ નિષ્ણાંત, વન્ય પ્રાણી તજજ્ઞ સ્વ. આર.ડી.ઝાલા એક આદર્શ પોલીસ અધિકારી
સ્વ. રઘુરાજસિંહજી ઝાલાની પુણ્યતિથિએ તેમની સાથે ગાળેલા એક દિવસના સંસ્મરણો વાગોળતા જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડયા

બાળક નાનું હોય ત્યારે તેનાં સહુ પ્રથમ રમકડાં માં મોટરકાર, બંધુક, પોલીસનો ડ્રેસ, વિગેરે અચૂક હોય. નાનપણથી જ આપણે પોલીસને એક હીરો તરીકે જોતાં આવ્યાં છીએ. પોલીસ ફોર્સમાં સેવા આપતાં લોકોનું જીવન સામાન્ય લોકો કરતાં તદ્દન અલગ હોય છે. તેમની ફરજ બાબત મોટે ભાગે સમાચાર પત્રો કે ટેલિવિઝન દ્વારા માહિતી મળે છે. દિવસ-રાત સીમા ઉપર સેના અને આપણાં ઘરની આજુબાજુ પોલીસનાં જવાનો આપણી રક્ષા કરતા હોય છે, તેથી જ આપણે ચેનથી આરામ કરી શકીયે છીએ.
નિવૃત્તિના ત્રણ દાયકા પછી પણ ગુજરાત રાજયનાં સમગ્ર પોલીસ દળમાં નાનાં મોટાં અનેક જવાનો અને અધિકારીઓનાં આદર્શ એવા એક સંપૂર્ણ પણે સમર્પિત, પ્રમાણિક, બાહોશ, નીડર, અશ્વ નિષ્ણાત, વન્યપ્રાણી તજજ્ઞ, વિગેરે જેવી બહુવિધ પ્રતિભા ધરાવતાં પોલીસ અધિકારી શ્રી રઘુરાજસિંહ દિલીપસિંહ ઝાલાસાહેબનો જન્મ તારીખ ૧ લી જૂન ૧૯૩૬ નાં દિવસે ભાવનગરમાં થયેલ. શામળદાસ કોલેજમાં ગ્રેજયુએશન પૂરું કરી, ૧૯૫૮ માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ સેવામાં જોડાયેલ. તાલીમ પૂરી કરી ૧૯૬૨ માં અમરેલી જિલ્લામાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. તે સમયે ચીને ભારત પર આક્રમણ કરતાં યુદ્ધ શરૂ થયું હતું. તેમને આર્મી માં જવું હતું, પરંતુ પોલીસ સર્વિસ ચાલુ હતી, તેમાંથી રજા ન મળતાં પોલીસ દળમાં જ કામગીરીમાં બાબતે ધ્યાન કેન્દ્રિત કર્યું. ઊંટ પર બેસી પેટ્રોલિંગ કરતાં. તે સમયે બહારવટિયાઓનો બહુ ત્રાસ હતો. અનેક લૂંટારાઓને તેમની આગેવાની હેઠળ સળિયા પાછળ ધકેલી દેવાયા હતાં. તેઓ ૧૯૬૯ માં કલકત્તા ખાતે સેન્ટ્રલ ડિટેક્ટિવ સ્કૂલમાં સાડાત્રણ મહિનાની તાલીમ માટે ગયેલાં અને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ સિદ્ધિ મેળવનારા તેઓ સૌ પ્રથમ ગુજરાતી હતાં. તેઓ રાજકોટમાં હોમ ઇન્સ્પેક્ટર હતાં, ત્યારે ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક વડે નવાજવામાં આવ્યાં હતાં. દરમિયાન એક દુઃખદ ઘટના પણ બની ગઈ. ૧૯૮૧ માં શ્રી ઝાલાસાહેબ વિરૂદ્ધ આઇ.બી. દ્વારા એક સાવ પાયા વિહોણો રિપોર્ટ થયો. તેથી તેમણે રાજીનામું આપેલું આપી દીધું હતું, પરંતુ ૧૧ મહિના પછી તેમનાં રાજીનામાં નો અસ્વીકાર થયો અને ૧૯૮૨ માં પ્રમોશન સાથે પરત આવ્યાં. ગુજરાત માઉન્ટેડ ફોર્સ (અશ્વ ઉપર બેસીને પેટ્રોલિંગ કરવા માટેનું દળ) નાં વિકાસમાં શ્રી ઝાલાસાહેબનું પ્રદાન અદ્વિતીય છે. તેઓશ્રી એ બનાવેલ માઉન્ટેડ ફોર્સ મેન્યુઅલનું આજે પણ અનુસરણ થાય છે. વર્ષોથી રાજકોટ અને ભાવનગરમાં આર. ડી. ઝાલા હોર્સ રાઇડિંગ કલબ્સ ચાલે છે. તેમાં સામાન્ય નાગરિકોને ઘોડેસવારી શીખવામાં આવે છે અને ૧૨,૦૦૦ થી વધુ લોકોએ તેનો લાભ લીધો છે. તેઓશ્રીની દીકરીબા પુનિતાદેવીની ભાવનગર રાજ પરિવારમાં શ્રીફળ વિધિ સમયે તેમને એક અગત્યના કેસ માટે પંજાબ જવાનું થયું, ત્યારે તેમણે ફરજને જ પ્રાધાન્ય આપ્યું હતું. ૧૯૯૦ માં સોમનાથ થી શ્રી રામ રથયાત્રા યાત્રા કાઢવામાં આવેલ. તે સમયે પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરામાં કોમી રમખાણો ફાટી નીકળેલ. અતિશય તંગ વાતાવરણ વચ્ચે ત્રીજી જાન્યુઆરી ૧૯૯૧ નાં રોજ શ્રી ઝાલા સાહેબની ગોધરાના પોલીસ અધિક્ષક તરીકે બદલી થઈ. આવી કપરી અને સંવેદનશીલ પરિસ્થિતિમાં બંધુક ની એક પણ ગોળી ચલાવ્યાં વગર કે લાઠી ચાર્જ પણ કર્યા વગર સ્થાનિક લોકોનો વિશ્વાસ જીતીને શાંતિ સ્થાપિ. તેઓ પોલીસ દળ માં જોડાયા ત્યારે આઈ.પી.એસ. નહોતા પરંતુ ૧૯૯૪ માં નિવૃત્ત થયા અગાઉ થોડા વર્ષે તેમને આઈ.પી.એસ. કેડર પણ મળી ગયેલ. નિવૃત્તિ પછી ત્યાંના લોકોએ તેમને ગોધરામાં જ રહેવા ખૂબ આગ્રહ કર્યો. જો કે શ્રી ઝાલાસાહેબને તો શહેરોથી દૂર ધારી પાસે આવેલાં એક નાનકડાં એવાં ગઢીયા ગામમાં તેમનાં ફાર્મમાં જયાં લાઈટનું કનેક્શન પણ ન હતું, ત્યાં કુદરતી વાતાવરણમાં જ બાકીનું જીવન ગાળવું હતું. બે વર્ષ કાચા મકાનમાં અને ૧૪ વર્ષ અધુરા બાંધકામ થયેલાં મકાનમાં અને પછી છેલ્લાં વર્ષો પૂર્ણ બાંધકામવાળા મકાનમાં રહ્યાં.
શ્રી આર. ડી. ઝાલાસાહેબ સાથે લગભગ આખો દિવસ ગાળવાનો મને મોકો મળ્યો હતો, તે યાદગાર અનુભવ અને તેઓશ્રીની કેટલીક ઓછી પ્રસિદ્ધ થયેલી બાબતો અકિલાના વાંચકોને જણાવું છે. ૧૯૯૫ ની સિંહ ગણતરી સમયે જસાધાર અને તુલસીશ્યામ વચ્ચે ગીર જંગલમાં જ અમારી મારી પ્રથમ ટૂંકી મુલાકાત થયેલ. ત્યારબાદ રાજકોટમાં કોઈ કોઈ પ્રસંગે મુલાકાત થતી અને તેમની જ્ઞાનસભર વાતો સાંભળતાં સાંભળતાં સાથે ભોજનનો આનંદ માણતાં. અત્રે સ્વ. શ્રી સી. કે. ચૌહાણસાહેબ, નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષકને ખાસ યાદ કરવા પડે. શ્રી ઝાલાસાહેબ રાજકોટ પધાર્યા હોય ત્યારે શ્રી ચૌહાણસાહેબ ખાસ યાદ કરીને અમને નિમંત્રણ આપતાં. આવા જ એક પ્રસંગે, તારીખ ૧૨મી ફેબ્રુઆરી ૨૦૦૯ ની રાત્રે મેઘાણી રંગ ભવનમાં શ્રી ચૌહાણસાહેબ મળ્યાં. મને કહયું કે ભૂષણભાઈ, એક કામ છે. આવતી કાલે ઝાલાસાહેબને ગઢીયા જવા માટે ગાડીની જરૂર છે. મને થયું કે શ્રી ઝાલાસાહેબને જરૂર પડે ત્યારે દસ ગાડી હાજર થઈ જાય, પરંતુ શ્રી ચૌહાણસાહેબ મને કહે છે, તેનો અર્થ એ કે કોઈ અંગત વ્યક્તિએ તેમની સાથે જવાનું છે. મેં તરત કહ્યું કે સાહેબ હું જઈશ, પરંતુ મારી પાસે નાની ગાડી એટલે કે મારુતિ ફ્રન્ટી છે. તેઓ કહે કંઈ વાંધો નહીં, સાહેબ એકલાં જ છે અને સામાન પણ ખાસ નથી. સાહેબને મળવા ગયા અને સવારે ૮.૦૦ વાગે સરદાર બાગથી લેવા જવાનું નક્કી કર્યું.
સવારે ૭.૫૦ વાગે સરદાર બાગ પહોંચ્યો ત્યારે સાહેબ નીચે પોર્ચ માં રિસેપ્શન પાસે ઊભાં હતાં! ગાડીમાં બેસી સાહેબને વિનંતી કરી કે ધારી જવાનાં રસ્તા માટે માર્ગદર્શન આપે. તેઓશ્રીએ ગોંડલ થઇને જવા જણાવ્યું. રસ્તામાં ભરૂડી ટોલ નાકું આવ્યુ. સાહેબ મને કહે કે આ ઇલ્લીગલ (ગેરકાનૂની) છે! મેં આશ્ચર્ય સાથે સાહેબની સામે જોયું. મને કહે કે આ ગાડીનો રોડ ટેક્સ ભર્યો છે? મેં કહ્યું જી સર, ભર્યો જ હોય ને! તેઓ કહે બરાબર છે, ટેક્સ ભર્યો જ હોય, તો પછી આ ફરીથી રોડ ટેક્સ શા માટે ભરવાનો? નવી ગાડી ખરીદીએ ત્યારે લાઈફ ટાઈમ નો રોડ ટેક્સ ભરીએ છીએ. તે રસ્તા માટે જ છે. સારા કે ખરાબ રસ્તા આપો, પરંતુ તેનાં માટે અવારનવાર ટેક્સ લેવાય?
ગોંડલમાં દાખલ થતાં મહારાજ શ્રી ભગવતસિંહજી બાપુની દીર્ઘ દ્રષ્ટિ ને તથાં પ્રજાનાં હિતમાં લીધેલાં નિર્ણયોના દ્રષ્ટાંત આપી, સક્ષમ કારભારની અનેક વાતો જણાવી. તેમનાં પુત્રોને રાજ મહેલમાં રહેવાની છૂટ નહોતી અને નોકરી કરતાં તેનો માસિક પગાર મળતો! ધારીમાં સાહેબનાં કોઈ મિત્રનાં પુત્રનાં લગ્ન પ્રસંગે હાજરી આપી અને તેમના આગ્રહ ને માન આપી ભોજન લીધું. ત્યાંથી નીકળ્યા ત્યારે મને પૂછ્યું કે ગીર પૂર્વનાં નાયબ વન સંરક્ષક શ્રી મનિશ્વર રાજાસાહેબ સારાં વન અધિકારી છે, તેમને ઓળખો છો? મેં કહ્યું જી સર, સારી રીતે ઓળખું છું. સાહેબ કહે કે તેમની ઓફિસ રસ્તામાં જ આવે છે, ચાલો આપણે થોડીવાર મળતાં જઈએ. અમે ત્યાં પહોંચ્યા ત્યારે શ્રી રાજાસાહેબ મિટિંગમાં હતાં. અમોને જોઈને શ્રી રાજાસાહેબે મીટીંગ મુલતવી રાખી! અમે થોડીવાર વન્ય પ્રાણીઓની તથા સિંહની ચર્ચા કરી તેમની રજા લીધી. ધારી - ઊના સ્ટેટ હાઇવે થી ગઢીયા જવાનો લગભગ ૨ કી.મી. નો રસ્તો કાચો અને ખરાબ હતો. સાહેબ કહે કે મારાં અમુક મિત્રોએ કહ્યું કે આ રસ્તો અમે પાકો બનાવી આપીએ, જેથી આપને તકલીફ ન પડે. સાહેબ કહે કે જો આ રસ્તો પાકો કરશો તો હું તોડી નાખીશ! જંગલમાં કોઈ દિવસ પાકાં રસ્તા હોય? તેમનાં નિવાસ્થાને પહોંચ્યા પછી આખું ઘર દેખાડ્યું. તેમની મંજૂરી લઈ મેં ઘણાં ફોટાં પણ પાડ્યાં. મેં તેમને મારી એક દુર્લભ તસ્વીર આપેલ. જેમાં સિંહણ મગરનો શિકાર કરીને મોંમાં લઈને જાય છે. આ તસ્વીર તેમણે દીવાનખાનામાં જ રાખેલ હતી, તે પણ બતાવી. એક જંગલી ભૂંડ ની બ્લેક એન્ડ વાઈટ તસવીર હતી. મને કહે કે આપને ખબર છે? આપણાં ગીર જેવા મોટાં જંગલી ભૂંડ બહુ ઓછી જગ્યાએ છે. કોઈએ તેના પર રિસર્ચ કરવું જોઈએ. પહેલાં માળે રૂમ અને બાથરૂમમાં ફ્રેન્ચ વિન્ડો પણ નાની લાગે તેવી મોટી મોટી બારીઓ હતી. મને કહે કે આ મકાનની ડિઝાઇન કેવી લાગી? મને તો ગમી એટલે મેં કહ્યું કે સરસ છે. સાહેબ કહે આ ડિઝાઇન મેં બનાવી છે. મારાં ઘણાં મિત્રો આવી મોટી ખુલ્લી બારીઓ રાખવાની નાં પાડે છે. આપણી પ્રાઇવેસી ન રહે એવું કહે છે, પરંતુ મારું માનવું છે કે કુદરતી હવા-ઉજાસ આવતાં હોય ત્યાં થોડાં બંધિયાર મકાન બનાવાય? પછી તેમની જીપમાં બેસાડી પાછળનાં ભાગે એક વડલો અને સામે માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા લઈ ગયાં. મને કહે કે આ વડલો અને આ મંદિર એ જ મારાં બાર જયોતિર્લિંગ અને ચાર ધામ છે. નાનકડાં ફાર્મમાં આંબાના વૃક્ષો વાવેલા. મને કહે કે અહીં સિંહ-દીપડા નિયમિત આવે છે, કોઈ રંજાડ નથી. ફાર્મમાં ફરતાં ફરતાં તેમના પ્રિય અશ્વ તથા ગૌ માતાને વહાલ થી મળતાં ગયાં. બાદમાં દીવાનખાનામાં બેસી, ગીરમાં ૨૦૦૭ માં ૧૦ સિંહોના શિકાર થયેલા. ત્યારે શ્રી કેશવ કુમાર (આઈ.પી.એસ.) નાં અધ્યક્ષ સ્થાને એક એસ.આઈ.ટી. (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની રચના કરવામાં આવેલ. આ ટીમની સાથે લગભગ દોઢ મહિના સુધી જંગલમાં ફરી, એશિયાઈ સિંહની ખાસિયતો, શિકારીઓ કેવી રીતે અને ક્યાં ક્યાં છટકા ગોઠવી સિંહનો શિકાર કરી શકે, વિગેરે બાબતોની ઝીણવટ ભરી ચર્ચા કરી, વિશ્વમાં દાખલા રૂપ ગણાય તેવા શિકારના કેસને ઉકેલવામાં મદદ કરી હતી. જેમાં મધ્યપ્રદેશથી આવેલ શિકારી ટોળકીઓને પકડી ભાવનગર કોર્ટ દ્વારા ૨૦-૨૨ જેટલાં આરોપીઓને સજા કરવામાં આવી હતી. તેનાં ૫-૭ વર્ષ પહેલાં પણ તેમને સુત્રો દ્વારા કેટલાક શિકારીઓ ગીરમાં આવ્યાં હોવાની માહિતી મળી હતી. આ માહિતી વન વિભાગનાં અધિકારીઓને આપતાં શિકારીઓ સિંહને મારે તે પહેલાં જ શિકારના સાધનો સાથે પકડાઈ ગયાં હતાં. પોલીસ દળનું બાતમિદારોનું નેટવર્ક ઘણું સક્ષમ છે. તેનાં દ્વારા શ્રી ઝાલાસાહેબ નું જયાં જયાં પોસ્ટિંગ થયું ત્યાં ત્યાં કોઈને કોઈ રીતે વન વિભાગને મદદ કરતાં રહ્યાં છે. વાતચીત દરમિયાન તેઓ એક વાત ખાસ કહેતા કે બંધારણ અને કાયદો બધાં માટે સરખાં છે, તે બાબત મેં હંમેશા યાદ રાખેલ છે. તેમનાં સન્માન સમારંભ વખતે એક જ વાત કહેતા કે આપ સહુ મને માન-સન્માન આપો છો, તે માટે ખૂબ ખૂબ આભાર પરંતુ મેં તો માત્ર મારી ફરજ નિભાવી છે.
દિવસભરનાં થાક છતાં મને ગાડી સુધી વળાવવા આવ્યાં અને બન્ને હાથ જોડીને આભાર માન્યો!૨૦૧૩ માં મારાં અકસ્માત પછી સાહેબને ક્યારેય મળવાનું થયું નહીં. ઉંમરને હિસાબે તેમની તબિયત વધુ કથળી પછી જીવનનાં છેલ્લાં છ-આઠ મહિના રાજકોટમાં રહ્યા. રાજકોટમાં પણ અનેક લોકો તેમને મળવા અને આશીર્વાદ લેવા આવતાં. માનનિય શ્રી વિકાસ સહાય (આઈ.પી.એસ.), ડી.જી.પી., ગુજરાત રાજય, પણ પધાર્યા હતાં. શ્રી ભરતસિંહ સરવૈયા સાહેબ, નિવૃત્ત એ.સી.પી. વડોદરાથી શ્રી ઝાલાસાહેબને મળવાનાં હતાં. ત્યારે મારી તબિયત જોવા મારે નિવાસ્થાને પધાર્યા હતાં. મેં તેમને વિનંતી કરી કે જો સાહેબની તબિયત સારી હોય તો મારી સાથે બે મિનિટ વાત કરાવશો. બીજા દિવસે સાથે વાત થઈ. મેં તેમને પ્રણામ સાહેબ, જય માતાજી કહી તબિયત વિશે પૂછ્યું ત્યાં તો તેમણે મારાં સમાચાર પૂછ્યાં અને છેલ્લાં દસ વર્ષમાં તેઓશ્રી મારી તબિયતનાં સમાચાર વિશે માહિતી મેળવતાં રહેતાં હતાં, તે પણ જણાવ્યું. અંતમાં કહ્યું કે હવે હું રાજકોટ આવી ગયો છું, મારાં જેવું કંઈ પણ કામકાજ હોય તો જણાવશો!
વ્યક્તિ ગમે તેટલી મહાન થાય, પરંતુ વાણી, વર્તન, વિવેક, સાદગી અને ભલમનસાઈ હંમેશા જાળવી રાખે તેનું ઉદાહરણ એટલે શ્રી આર. ડી. ઝાલાસાહેબ. ગયા વર્ષે તેમનાં દુઃખદ અવસાન બાદ શ્રી સરવૈયાસાહેબે મને કહ્યું હતું કે શ્રી ઝાલાસાહેબ જેવા આદર્શ વ્યક્તિ અને સમર્પિત અધિકારીની માત્ર કલ્પના જ કરવી રહી. કોઈપણ વ્યક્તિ મદદ માટે જાય તો સાહેબ ઘરવખરી વેંચીને પણ મદદ કરતાં. કોઈને નિરાશ ન કરતાં. આજે તારીખ ૧૯ જૂન ૨૦૨૪ નાં રોજ શ્રી આર. ડી. ઝાલાસાહેબની પ્રથમ પુણ્યતિથિ છે. તેમનાં જીવન પર્યંત કરેલા કાર્યો અને આદર્શો હાલની અને આવનારી પેઢી અનુસરે એ જ તેમનાં દિવ્ય આત્માને સાચી શ્રદ્ધાંજલિ છે.
ભૂષણ પîડ્યા
વન્યપ્રાણી તસવીરકાર
પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ
મો. +૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭

(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
