તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
નકલી માર્કશીટ સહિત દસ્તાવેજોના આધારે વિદેશમાં મોકલવાનું કૌભાંડ : 90 બોગસ માર્કશીટ સાથે અમદાવાદનો યુવક ઝડપાયો
આણંદ SOG પોલીસે એક ઓવરસિઝ એજન્સીમાં દરોડો પાડી કુલ 90 બનાવટી માર્કશીટ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા

બોગસ માર્કશીટ સહિતના દસ્તાવેજોના આધારે વિદેશમાં મોકલવાનું કૌભાંડ આણંદમાંથી ઝડપાયું છે. આણંદ SOG પોલીસે એક ઓવરસિઝ એજન્સીમાં દરોડો પાડી કુલ 90 બનાવટી માર્કશીટ સહિતના દસ્તાવેજો જપ્ત કરી અમદાવાદના શખ્સની ધરપકડ છે.
આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા ક્રિશ્ના સફર કોમ્પ્લેક્ષમાં ચોથા માળે કાર્યરત એસપી સ્ટડી પ્લાનર LLC નામની ઓવરસીઝમાં વિદેશ જવા માટે બનાવટી સર્ટિફિકેટો તેમજ દસ્તાવેજો બનાવી આપવામાં આવતા હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાં આ ઓફિસના માલિક સિદ્ધિક ઉર્ફે રીકી રશ્મિકાંતભાઈ શાહને ઝડપી પાડ્યો હતો.
પોલીસે ઓફિસમાં તપાસ કરતાં ફાઈલોમાંથી જુદી-જુદી યુનિવર્સિટીઓની તેમજ જુદા-જુદા રાજ્યોના શૈક્ષણિક સંસ્થાઓની જુદા-જુદા નામ સરનામાવાળી કુલ 90 જેટલી માર્કશીટો અને દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે લેપટોપ, મોબાઈલ ફોન અને 90 જેટલી માર્કશીટો સાથે કુલ રૂપિયા 95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ કરતાં ઉક્ત સર્ટિફિકેટ અને દસ્તાવેજો અમદાવાદ ખાતે રહેતા ભાવિન પટેલ અને વડોદરા ખાતે રહેતા મેહુલ રાજપુત પાસેથી કુરિયર દ્વારા મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધિક ઉર્ફે રીકી પૈસા આપીને ઉક્ત બંને શખ્સો પાસેથી બોગસ સર્ટિફિકેટ અને દસ્તાવેજો બનાવતો હતો. ત્યારબાદ તે ગ્રાહકોને તગડી ફી વસૂલ કરીને આપતો હતો. આ બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલતા હતા. અત્યાર સુધીમાં બોગસ દસ્તાવેજોના આધારે કેટલા લોકોને વિદેશ મોકલ્યા છે તેની તપાસ કરાશે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
