<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

સામુહિક આરોગ્ય કેન્દ્ર, નેત્રંગમાં સાધનો અને સ્ટાફ મુકવા MLA ચૈતર વસાવાએ આરોગ્ય મંત્રીને કરી રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સાધનો અને ઘટતો સ્ટાફ મૂકવા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે
    ચૈતર વસાવાએ કરેલી રજુઆત માં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લાના એક લાખ જેટલી વસ્તી ધરાવતા નેત્રંગ તાલુકાના લોકોની ફરિયાદોને ધ્યાને લઇ, તા.૧૮/૦૬/૨૦૨૪ ના રોજ, તાલુકાની એક માત્ર સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગની રૂબરૂ મુલાકાત કરતા ગંભીર બાબતો ધ્યાને આવેલ છે.
આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને અપૂરતા સ્ટાફ અને અપૂરતા સાધનોને કારણે ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી મશીન છે. પણ આજદિન સુધી એક પણ દર્દીનો રિપોર્ટ કરેલ નથી. કેમકે ગાયનેક ડોકટર જ નથી. એક્સ-રે મશીનનો ટેકનીશિયન કાયમી નથી, અઠવાડીયે એકાદ વાર આવે-તો આવે, ન પણ આવે, લેબોરેટરી માટે લેબ ટેકનીશયન નથી. હાડકાના સર્જન નથી. અહી સ્વીપર ન હોવાના કારણે મૃતદેહને પીએમ કરાવવા મૃતકના સગા એ પોતે ગાડી ભાડે કરી, વાલીયા ખાતે લેવા-મુકવા જવું પડે છે. અને મૃતદેહના પીએમ માટે સ્વીપરને એક ડેડબોડી દીઠ ૩૦૦૦ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે. પરિવાર પર આવી પડેલા આવા દુઃખના સમયે પણ પૈસા ઉઘરાવવામાં આવે છે. મોતનો મલાજો જળવાતો નથી. આ અતિ ગંભીર બાબત છે. અહી એક જ ડોક્ટરથી આખું સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલે છે. જેથી સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગમાં તાત્કાલિક ધોરણે પૂરતા સ્ટાફ અને સાધનો પુરા પાડી,લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી છે

(10:14 PM IST)